09 November, 2026 07:23 AM IST | Mumbai | Anil Patel
ગઈ કાલે દિવાળી નિમિત્તે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ કુમાર ચૌહાણે લક્ષ્મીપૂજન બાદ ઘંટ વગાડીને ટ્રેડિંગ-સેશનનો આરંભ કર્યો હતો. એ વખતે NSEના અન્ય પદાધિકારીઓ સાથે બૉલીવુડની અભિનેત્રીઓ પૂનમ ઢિલ્લોં, પદ્મિની કોલ્હાપુરે, શીબાએ પણ હાજર રહીને મુહૂર્તના ટ્રેડિંગને વધાવ્યું હતું.
સેન્સેક્સ ૨૯ પૉઇન્ટ ઘટીને ૮૧,૦૦૦ની અંદર, નિફ્ટી ૪૪ પૉઇન્ટની પીછેહઠમાં ૨૫,૦૦૦ની નીચે બંધ : માર્કેટ-બ્રેડ્થ ખાસ્સી મજબૂત, માર્કેટકૅપ ૨.૬૦ લાખ કરોડના વધારામાં ૫૦૫.૬૬ લાખ કરોડના નવા શિખરે : સન ફાર્મા બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર, તાતા સ્ટીલ ધારણાં કરતાં સારા રિઝલ્ટમાં સેકન્ડ બેસ્ટ બની
સળંગ ૭ દિવસની પ્રી-દિવાળી રૅલીમાં કુલ મળીને ૮૧૮૨ પૉઇન્ટ કે ૧૧.૨ ટકાની તેજી બાદ શૅરબજાર રવિવારે ૭૦ મિનિટના મુહૂર્ત-સત્રમાં ૨૯ પૉઇન્ટ ઘટીને ૮૦,૯૯૯ પર બંધ થયું છે. નિફ્ટી જે સતત ૭ દિવસના પૉઝિટિવ ટ્રેન્ડમાં કુલ ૨૩૩૧ પૉઇન્ટ કે ૧૦.૩ ટકા વધ્યો હતો એ ગઈ કાલે ૪૪ પૉઇન્ટની નરમાઈમાં ૨૪,૯૮૬ રહ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૨૭૧ પૉઇન્ટ વધીને ૮૧,૨૯૯ ખૂલ્યા પછી ઉપરમાં ૮૧,૪૪૨ અને નીચામાં ૮૦,૯૩૨ દેખાયો હતો. નિફ્ટી ૨૫,૦૭૦ ખૂલી ઉપર ૨૫,૧૩૨ તેમ જ નીચે ૨૪,૯૮૫ થયો હતો. ખાસ્સી સ્ટ્રૉન્ગ માર્કેટ-બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૨૭૧૬ શૅર સામે ૭૩૬ શૅર તો BSEમાં વધેલા ૩૨૪૪ શૅર સામે ૯૫૪ જાતો નરમ હતી. બજારનું માર્કેટકૅપ BSEના સંદર્ભમાં ૨.૬૦ લાખ કરોડ વધીને ૫૦૫.૬૬ લાખ કરોડ થયું છે.
વિક્રમ સંવત ૨૦૮૨ માટે વિશ્લેષકોએ શૅરબજારને લઈ જે કાંઈ આગાહી કરી હતી એ તમામ બહુ જ ખરાબ રીતે ખોટી પડી છે. સેન્સેક્સ વધવાના બદલે પૂરા થયેલા ગત સંવતમાં સાડાત્રણ ટકા તથા નિફ્ટી ૨.૬ ટકા ઘટ્યો છે જે છેલ્લાં ૧૫ વર્ષની પ્રથમ ઘટના કે સૌથી મોટી નબળાઈ છે. હવે નવા વર્ષ, સંવત ૨૦૮૩નો સવાલ છે ત્યાં સુધી આવતી દિવાળી સુધીમાં સેન્સેક્સ ઉપરમાં ૮૭,૦૦૦ અને નિફ્ટી ૨૭,.૦૦૦ થવાનો બહુમતી વરતારો છે. બાય ધ વે, સોનાના કિસ્સામાં ભાવ આ ગાળામાં વધીને ૧૦ ગ્રામદીઠ ૧.૭૫થી ૧.૮૦ લાખ તથા ચાંદીમાં કિલો દીઠ ૧.૮૮ લાખ થવાની ધારણા પંડિતો મૂકે છે. ક્રૂડની વાત કરીએ તો ૬ નવેમ્બરે બ્રેન્ટ ક્રૂડ વીકલી ધોરણે સાડાસોળ ટકાનો ૨૦૨૦ પછીના સૌથી મોટો સાપ્તાહિક કડાકો દાખવી ૯૮ ડૉલર નજીક બંધ થયું છે. અમેરિકામાં ડેમોક્રૅટ્સની મિડ-ટર્મ પોલમાં ભવ્ય જીતથી ટ્રમ્પની પાંખો કપાઈ છે. ત્યાર પછી ઇઝરાયલમાં પણ ટ્રમ્પના સાગરીત નેતન્યાહુએ સત્તા ગુમાવી છે. સરવાળે ઈરાન સામેનો યુદ્ધ-જ્વર હવે ઠંડોગાર થવાની આશા પ્રબળ બની છે. ક્રૂડના ભાવમાં ઘટાડાના ચાન્સ ઘણા વધી જાય છે. ભારત માટે બેશક સારા સમાચાર છે. બિટકૉઇન છેલ્લે ૭૫,૮૪૫ ડૉલર બંધ રહ્યો છે. વર્ષમાં ભાવ સવાલાખ ડૉલર વટાવી જશે એમ બહુમતી માને છે.
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE)ના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિએ લક્ષ્મીપૂજન કર્યું હતું અને ઘંટ વગાડીને મુહૂર્તના સોદા માટેનું ટ્રેડિંગ-સેશન ચાલુ કર્યું હતું. તસવીરોઃ શાદાબ ખાન
વર્તમાનનો સવાલ છે ત્યાં સુધી બજાર સતત ૭ દિવસ વધીને કુલ ૮૧૮૨ પૉઇન્ટ મજબૂત થયું છે. માર્કેટકૅપની રીતે એમાં રોકાણકારોની સંપત્તિ કુલ ૩૦.૪૩ લાખ કરોડ વધી ગઈ છે, પરંતુ હાલની રૅલીથી ખોરવાઈ જવાની કે લાવ-લાવની ગાડી પકડી લેવાની જરૂર નથી, છેલ્લા એક સપ્તાહમાં નિફ્ટી સાડાઆઠ ટકા જેવો વધ્યો છે તો સામે વિક્સ (VIX) વધીને ૧૭.૫ થઈ ગયો છે. સામાન્ય રીતે જ્યારે બજાર વધે ત્યારે વિક્સ ઘટે છે. વિક્સ વધે તો બજારમાં મોટી ગરબડ કે ઘટાડો થવાનો સંકેત મનાય છે. હાલમાં ઊલટી સ્થિતિ છે. મોટા ખેલાડીઓ લેવાલી કરી રહ્યા છે એની સાથે-સાથે put option લઈને હેજિંગ પણ કરવા માંડ્યા છે અર્થાત ખેલાડીઓને લાગે છે કે આગામી નજીકના ગાળામાં બજારમાં મોટા ઝટકા આવી શકે છે. વધતી બજારે VIX વધે તો નૉર્મલ નથી. રૅલીને અનુસરવામાં સાવચેતી રાખવાની જરૂર છે.
પરિણામ પાછળ ફિનોલેક્સ કેબલ્સમાં ૨૧૮ની તેજી થઈ
સેન્સેક્સ ખાતે મુહૂર્ત-સેશનમાં ૩૦માંથી ૧૬ તથા નિફ્ટી ખાતે ૫૦માંથી ૧૭ શૅર વધ્યા છે. સનફાર્મા ત્રણ ટકા ઊંચકાઈ ૧૯૧૫ બંધમાં બન્ને બજારમાં ઝળકી છે. તાતા સ્ટીલ બે ટકા વધી ૧૮૯ના બંધમાં સેકન્ડ બેસ્ટ ગેઇનર બની છે. કંપનીએ ૧૧.૫ ટકા વધારામાં ૬૫૪૩૬ કરોડની આવક ઉપર ૧૮.૨ ટકા વધારામાં ૩૬૬૬ કરોડનો નેટ નફો કરી ધારણાથી સારાં રિઝલ્ટ આપ્યાં છે. મારુતિ સુઝુકી, પાવર ગ્રિડ તથા અદાણી પોર્ટ્સ પોણા ટકા જેવી પ્લસ હતી. રિલાયન્સ માંડ પાંચેક રૂપિયા સુધરી ૧૩૨૩ થઈ છે. ઇન્ફી પોણો ટકો અને TCS નજીવી ઘટી છે. નિફ્ટી ખાતે ઘટવામાં SBI લાઇફ ૧.૧ ટકા, ઇન્ડિગો ૧.૧ ટકા, ભારતી ઍરટેલ એક ટકો, મૅક્સ હેલ્થકૅર ૦.૯ ટકાની નબળાઈ દાખવીને મોખરે ૨હી છે. ONGC અને તાતા મોટર્સ પૅસેન્જર ૧.૧ ટકા વધી હતી.
મુહૂર્ત સત્ર દરમ્યાન અદાણી પોર્ટ્સ, એટર્નલ તેમ જ કોટક બૅન્ક નવા સર્વોચ્ચ શિખર બનાવી પૉઝિટિવ ઝોનમાં બંધ આવી છે. જ્યારે ICICI બૅન્ક અને JSW સ્ટીલ ઑલટાઇમ હાઈ થયા બાદ ૦.૪ ટકા જેવા ઘટાડે બંધ રહી છે. જોકે સેન્સેક્સમાં ICICI બૅન્ક ૦.૨ ટકા નરમ રહી છે. ફિનોલેક્સ કેબલ્સે ૬૫ ટકા વધારામાં ૨૨૩૯ કરોડની આવક ઉપર ૬૭.૫ ટકા વૃદ્ધિદરથી ૨૭૭ કરોડ નેટ પ્રૉફિટ બતાવતાં શૅર સાડાતેર ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૩૧૦ થઈ ૨૧૮ના ઉછાળે ત્યાં જ બંધ થયો છે. બાન્કો ઇન્ડિયાએ ૧૯ ટકા વધારામાં ૧૬૫ કરોડ નેટ નફો મેળવતાં ભાવ ઉપરમાં ૬૯૯ નજીક જઈ ૧૫ ટકાની તેજીમાં ૬૮૮ બંધ આવ્યો છે. આર.આર. કેબલ બમણા વૉલ્યુમે સવાદસ ટકા વધી ૨૧૧૫ વટાવી ગઈ છે. HBL એન્જિનિયરિંગ પરિણામ પાછળ નીચામાં ૭૭૮ બતાવી સાડાચાર ટકા ગગડી ‘એ’ ગ્રુપમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે.