12 September, 2026 08:16 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બ્રેન્ટ ક્રૂડ ઝડપી ઉછાળામાં ૧૧૦ ડૉલર નજીક જૅને આ લખાય છે ત્યારે પોણાત્રણ ટકા ઘટી ૧૦૫ ડૉલર બંધ આવી ગયું છે. ક્રૂડના ખેલમાં એશિયન બજારોની નબળાઈ આગળ વધી છે. યુરોપ રનિંગમાં અડધો-પોણો ટકો ઉપર ગયું છે. એશિયા ખાતે જપાન બે ટકા, સાઉથ કોરિયા પોણાબે ટકા, તાઇવાન દોઢ ટકો, ચાઇના તથા ઇન્ડોનેશિયા સવા ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો, થાઇલૅન્ડ અડધો ટકો ઘટ્યું છે. સિંગાપોર ફ્લૅટ હતું. સેન્સેક્સ આગલા બંધથી ૫૯૩ પૉઇન્ટના ઘટાડે ૭૪,૩૦૯ ખૂલી છેવટે ૧૨૧ પૉઇન્ટ ઘટી ૭૪,૭૮૨ તથા નિફ્ટી ૮૦ પૉઇન્ટ ઘટીને ૨૩,૩૯૮ બંધ રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં શૅરઆંક નીચામાં ૭૪,૧૬૦ દેખાયો હતો. કસીનો-સેશનના આરંભ પૂર્વે સેન્સેક્સ ૭૪,૯૧૪ અને નિફ્ટી ૨૩,૪૩૫ના લેવલે હતો. માર્કેટકૅપ ગઈ કાલે ૪૮૧.૫૫ લાખ કરોડ રહ્યું છે. બન્ને બજારનાં મોટા ભાગનાં સેક્ટોરલ માઇનસ હતાં. રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૧ ટકા, PSU બૅન્ક નિફ્ટી અડધો ટકો, નિફ્ટી કેમિકલ્સ સવા ટકો, નિફ્ટી ડિફેન્સ પોણો ટકો ઘટ્યો છે. ડૉલર સામે રૂપિયો ઘટવાનું જાળવી રાખતાં નીચામાં ૯૫.૮૦ બતાવી ૧૧ પૈસાની નરમાઈમાં ૯૫.૫૫ રહ્યો છે.
HDFC બૅન્ક ૬૮૨ની લગભગ છ વર્ષની નવી બૉટમ બતાવી દોઢા વૉલ્યુમે બે ટકા વધી ૭૦૮ બંધ આપી બજારને ૧૮૦ પૉઇન્ટ ફળી છે. હિન્દુસ્તાન યુનિલીવર ૧૯૨૭ની પોણાસાત વર્ષની નીચી સપાટી નોંધાવી નજીવો ઘટાડામાં ૧૯૩૪ રહી છે. વિપ્રો ૧૬૫નું નવું મલ્ટિયર બૉટમ બનાવી પોણો ટકો ઘટી ૧૬૭, SBI લાઇફ ૧૬૭૧ની ૧૭ માસની બૉટમ બાદ ૦.૪ ટકા ઘટી ૧૬૯૫, તાતા કન્ઝ્યુમર ૯૮૮ની દોઢ વર્ષની નીચી સપાટી દેખાડી પોણો ટકો ઘટી ૯૯૧ રહી છે. HDFC બાદ બજારોમાં વધવામાં મોખરે રહેલા શૅરમાં ડૉ. રેડ્ડીઝ લૅબ બે ટકા, ટેક મહિન્દ્ર ૧.૪ ટકા, HCL ટેક્નૉલૉજી ૦.૯ ટકા, એટર્નલ પોણો ટકો, ઇન્ફોસિસ ૦.૬ ટકા મુખ્ય હતા.
રિલાયન્સ ૧.૩ ટકા બગડી ૧૨૫૮ના બંધમાં બજારને ૯૭ પૉઇન્ટ ભારે પડી છે. કોન્સેક્સમાં તાતા સ્ટીલ ૧.૭ ટકાના ઘટાડે ટૉપ લૂઝર હતી. નિફ્ટીમાં હિન્દાલ્કો સવાત્રણ ટકા, JSW સ્ટીલ ૩ ટકા, ONGC બે ટકા, આઇશર સવાબે ટકા, મારુતિ સુઝુકી દોઢ ટકો, સન ફાર્મા સવા ટકો, બજાજ ફાઇનૅન્સ ૧.૨ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા ડાઉન હતી. પાઇન લૅબ્સ ચિક્કાર વૉલ્યુમે લિસ્ટિંગ પછીના મોટા ઉછાળે ઉપરમાં ૨૦૬ વટાવી છેવટે ૧૭ ટકાની તેજીમાં ૨૦૨ બંધ આવી છે. કોચીન શિપયાર્ડ સારા વૉલ્યુમે સાડાનવ ટકા કપાઈ ૧૩૮૧ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બની છે. શેફાલી શાહ, વિપુલ શાહની તાજેતરમાં લિસ્ટેડ થયેલી સનશાઇન પિક્ચર્સ ૩ ગણા કામકાજે ૫૨૫ના શિખરે જઈ ૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૪૦૭ બંધ થઈ છે. નોવાર્ટિસમાં તાજેતરની તેજી બાદ ગઈ કાલે ભાવ સવા ટકો ઘટી ૨૩૯૩ થયો છે. દરમ્યાન બજાર સોમવારે ગણેશચતુર્થી નિમિત્તે બંધ રહેવાનું છે.
NSE તરફથી વિધિવત રીતે એના મેગા ઇશ્યુની પ્રાઇસબેન્ડ તથા સાઇઝ જાહેર કરી દેવાઈ છે. એ મુજબ કંપની એકના શૅરદીઠ ૧૭૮૫ની અપરબેન્ડમાં કુલ ૨૨,૫૬૨ કરોડનું ભરણું ૧૭મીએ લાવશે. કંપનીના કર્મચારીઓ માટે શૅરદીઠ ૧૭૦નું ડિસ્કાઉન્ટ છે. આખો ઇશ્યુ ઑફર ફૉર સેલનો છે. QIB પોર્શન ૫૦ ટકા છે કુલ ૨૨,૫૬૨ કરોડના આ ભરણાના પગલે સ્ટેટ બૅન્કને ૨૮૫૦ કરોડની, બૅન્ક ઑફ બરોડાને ૧૩૭૩ કરોડની, IFCIની સબસિડિયરી સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશનને ૧૧૦૪ કરોડની, જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશનને ૧૧૦૪ કરોડની, ન્યુ ઇન્ડિયા ઍશ્યૉરન્સને ૧૮૭૪ કરોડની, ઇન્ડિયન બૅન્કને ૨૬૮ કરોડની, ICICI લોમ્બાર્ડને ૪૧૮ કરોડની રોકડી થવાની છે. ગઈ કાલે સ્ટેટ બૅન્ક પોણો ટકો ઘટી ૯૯૭, બૅન્ક ઑફ બરોડા ૨૩૮ના લેવલે ફ્લૅટ, જનરલ ઇન્શ્યૉરન્સ ૧.૭ ટકા વધી ૩૫૦, IFCI ૩.૩ ટકા ગગડી ૮૨, ન્યુ ઇન્ડિયા ઍશ્યૉરન્સ સામાન્ય સુધારે ૧૯૮, ઇન્ડિયન બૅન્ક પોણો ટકો ઘટી ૮૫૩, ICICI લોમ્બાર્ડ ૧૪૪૩ના વર્સ્ટ લેવલે જઈ એક ટકો ઘટી ૧૪૫૯ બંધ રહી છે. BSE લિમિટેડનો ભાવ નીચામાં ૩૧૯૩ થઈ ૨.૪ ટકા વધી ૩૩૮૪ રહ્યો છે.
રેમન્ડ લિમિટેડ ૬૪૫નું એક એવા ૩૩.૩ લાખ કન્વર્ટિબલ વૉરન્ટ્સ પ્રેફરન્શિયલ ધોરણે ઇશ્યુ કરીને ૨૧૫ કરોડ ઊભા કરવાનું નક્કી કર્યું છે. આ વૉરન્ટ ૧૮ માસની અંદર એક ઇક્વિટી શૅરમાં રૂપાંતર થશે. શૅર ગઈ કાલે ૧૦૨૪ની ૧૬ માસની ટૉપ બનાવી ૧૭.૫ ટકાની તેજીમાં ૧૦૦૩ બંધ આવ્યો છે. ૧ સપ્ટેમ્બરે શૅર ૬૩૫ના લેવલે હતો. શાંકેશ જ્વેલર્સે જૂન ક્વૉર્ટરમાં ૫૫ ટકા વધારામાં ૪૨૪ કરોડની આવક ઉપર ૧૦૦ ટકા વધારામાં ૪૩ કરોડ નફો કરતાં શૅર ૬ ગણા વૉલ્યુમે ૧૧૬ના બેસ્ટ લેવલે જઈ ૩.૨ ટકા વધી ૧૦૨ બંધ થયો છે. મુંબઈના ઝવેરી બજારની આ કંપની ગત મહિને પાંચના શૅરદીઠ ૯૩ના ભાવથી ૩૬૭ કરોડનો IPO લાવી હતી. લિસ્ટિંગ બાદ ભાવ ૨૮ ઑગસ્ટે ૮૭ના ઑલટાઇમ તળિયે ગયો હતો. અન્ય જ્વેલરી શૅરમાં TBZ લિમિટેડ બે દિવસની નરમાઈ બાદ ગઈ કાલે પાંચ ટકા ઉપલી સર્કિટે ૫૨૨ વટાવી ત્યાં જ બંધ રહી છે. PNGS ગાર્ગી ફૅશન્સ ૬.૮ ટકા, AJC જ્વેલ ૨૭૦ના નવા શિખરે જઈ પાંચ ટકા વધી ત્યાં જ, થંગમયિલ જ્વેલરી ૧.૭ ટકા વધી ૫૧૫૮ બંધ હતી. સામે કલ્યાણ જ્વેલર્સ અઢી ટકા, સ્વર્ણ સરિતા ૪.૬ ટકા, દીપા જ્વેલર્સ ૪.૪ ટકા, મનોજ વૈભવ ૫.૭ ટકા, ઉદય જ્વેલરી ૩.૨ ટકા, ડીપી આભૂષણ બે ટકા, SRM જ્વેલ્સ ૪ ટકા ઘટી છે.
Paytmમાં જેફરીઝે ૨૧૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યb આપતાં ભાવ ત્રણ ગણા કામકાજે ૧૮૨૯ની મલ્ટિયર ટૉપ બનાવી ચારેક ટકા ઊચકાઈ ૧૮૦૬ થયો છે. ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ ૧૦માંથી ૯ શૅરની ખરાબીમાં પોણાત્રણ ટકા ખરડાયો છે. ગોદરેજ પ્રૉપર્ટીઝ સાડાછ ટકા, લોઢા ડેવલપર્સ પાંચ ટકા, આદિત્ય બિરલા રિયલ્ટી સવાચાર ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ અઢી ટકા, અનંતરાજ દોઢ ટકા, ઑબેરૉય રિયલ્ટી સવાબે ટકા તરડાઈ હતી. લોઢા ડેવલપર્સની સબસિડિયરી નૅશનલ સ્ટાન્ડર્ડ્સ સવાબે ટકા ગગડી ૧૧૨ હતી. ભાવ ૧૨ જાન્યુઆરીએ ૨૩૩૮ હતો. બાય ધ વે, NSEમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ઘસાતું રહી હાલ ૧૮૫ થઈ ગયું છે.
ગઈ કાલનો શુક્રવાર પ્રાઇમરી માર્કેટ માટે અનોખો પુરવાર થયો છે. IPOના રસિયાઓને રોકાણ માટે એક જ દિવસે બે-ચાર નહીં, પણ પૂરાં ૧૭ ભરણાં ઉપલબ્ધ હોય એવી ઘટના વર્ષો પછી સૉરી, દાયકાઓ પછી જોવા મળી છે. આ ૧૭ ભરણાંમાંથી ગઈ કાલે ૯ ઇશ્યુ આખરી દિવસે પૂરાં થયાં છે એમાં મેઇન બોર્ડનાં છ IPO છે. મનીપાલ પેમેન્ટનો બે રૂપિયાના શૅરદીઠ ૩૩૯ના ભાવનો ૮૦૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨.૩ ગણા સાથે કુલ દોઢ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ બે રૂપિયા ચાલે છે. કરમતાલા એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૨૫૪ના ભાવનો ૮૭૬૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૩.૫ ગણા સહિત કુલ ૬૭ ગણા રિસ્પૉન્સમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટી ૬૧ બોલાય છે. LCC પ્રોજેક્ટ્સનો પાંચના શૅરદીઠ ૧૪૬ના ભાવનો ૪૨૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૬ ગણા સહિત કુલ ૫૦ ગણો તથા સ્ટીમ હાઉસ ઇન્ડિયાનો બેના શૅરદીઠ ૮૧ના ભાવનો ૪૧૪ કરોડનો IPO રીટેલમાં ૧૮ ગણા સહિત કુલ ૩૨ ગણો ભરાઈ પૂરો થયો છે. LCCમાં ૫૫ તો સ્ટીમહાઉસમાં બાવીસ પ્રીમિયમ છે. આર્સિલ અર્થાત એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીનો ૧૦ના શૅરદીઠ ૧૩૯ના ભાવનો ૭૩૩ કરોડનો પ્યૉર OFS સ્ટીલમાં સાડાત્રણ ગણા સહિત કુલ ૨૧.૫ ગણો તેમ જ રેન્ટોમોજોનો એકના શૅરદીઠ ૪૦૪ના ભાવનો ૧૨૫૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૬ ગણા સહિત કુલ ૭૩ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ રેન્ટોમોજોમાં ૧૪૦ અને આર્સિલમાં ૧૧ પ્રીમિયમ છે. SME સેગમેન્ટની એમટેક એસ્ટર્સનો ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવનો ૧૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨૯ ગણા સહિત કુલ ૨૬ ગણો, વિનોદ ટેક્સવર્લ્ડનો શૅરદીઠ ૯૪ના ભાવનો ૪૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩ ગણા સહિત કુલ ૧.૭ ગણો તથા ઇનફ્રેક્સ રિન્યુએબલનો ૧૦૪ના ભાવનો ૪૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં બે ગણા સહિત કુલ ૨.૧ ગણો ભરાયો છે. હાલમાં એમટેકમાં ૭, વિનોદમાં એક તેમ જ ઇનફ્રેકસમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.
પાંચ ભરણાં ૧૫મીએ, મંગળવારે બંધ થવાના છે. એમાંથી મેઇન બોર્ડની વિગાલૅન્ડ ડેવલપર્સનો ૧૦ના શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૨૧૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ સવા ગણો ભરાયો છે. પ્રીમિયમ ૨૦ બોલાય છે. SME સેગમેન્ટનાં ૪ ભરણાંમાં બીજા દિવસના અંતે રેક્સન ટ્રાન્સફૉર્મર્સનો શૅરદીઠ ૨૭૩ના ભાવનો ૧૫૦ કરોડથી વધુનો ઇશ્યુ ૧.૩ ગણો, ઓમ ગૅલૅક્સીનો પાંચના શૅરદીઠ ૯૦ના ભાવનો ૧૦૫ કરોડનો ઇશ્યુ કુલ ૧ ગણો, પંચત્વ ભારતનો શૅરદીઠ ૧૪૦ના ભાવનો ૨૪૫૮ લાખનો ઇશ્યુ કુલ ૪ ટકા તથા મહારાજા ઍન્ડ સ્પીડેક્સનો ૧૦ના શૅરદીઠ ૧૮૬ના ભાવનો ૮૦ કરોડ પ્લસનો IPO કુલ ૪૩ ટકા ભરાયો છે. હાલ રેક્સનમાં ૨૮, ઓમ ગૅલૅક્સીમાં ઝીરો, મહારાજામાં ૩૦ અને પંચત્વમાં ૭ પ્રીમિયમ ચાલે છે.
ગઈ કાલે ત્રણ નવાં ભરણાં ખુલ્યાં છે. પ્રથમ દિવસે મેઇન બોર્ડમાં મણિકા પ્લાસ્ટેકનો બેના શૅરદીઠ ૪૩ના ભાવનો ૧૨૫ કરોડનો ઇશ્યુ રીટેલમાં સવાબે ગણા સહિત કુલ ૧.૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટી હાલ ૧૦ ચાલે છે. SME સેગમેન્ટમાં ઇન્જેકટો પૉલિમર્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૫૬ કરોડનો IPO રીટેલમાં ૨૫ ટકા સહિત કુલ ૩૦ ટકા તથા સેન્ચ્યુરી બિઝનેસ મીડિયાનો ૧૦ના શૅરદીઠ ૭૪ના ભાવનો ૧૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૨ ટકા સહિત કુલ ૧.૨ ગણો પ્રથમ દિવસે ભરાયો છે. અત્યારે ઇન્જેક્ટોમાં ઝીરો અને સેન્ચ્યુરીમાં ઝીરો પ્રીમિયમ છે.
સોમવારે ગણેશચતુર્થીની રજા છે એટલે બજાર માટે આગામી સપ્તાહ ૪ દિવસના કામકાજનું છે. એમાં હાલની તારીખે ૧૦ નવાં ભરણાં અત્યારે નક્કી દેખાય છે. મંગળવારે મેઇન બોર્ડ ખાલી છે, પરંતુ SME સેગમેન્ટમાં ત્રણ IPO ખૂલવાનાં છે. મુંબઈના બોરીવલી-વેસ્ટ ખાતેની વામા વુવનફૅબ ૧૦ના શૅરદીઠ ૩૪૧ની અપરબેન્ડ સાથે ૫૦ કરોડનો BSE SME IPO કરશે. એમાં QIB પોર્શન એકાદ ટકા અને રીટેલ પોર્શન ૭૯ ટકાનો છે. ૨૦૧૧માં સ્થપાયેલી વોવનસેક બૅગ્સ તેમ જ ફૅબ્રિક-બેઝ્ડ પૅકેજિંગ પ્રોડક્ટ્સ બનાવે છે. ગત વર્ષે ૧૭૬ ટકા વધારામાં ૨૧૫ કરોડ નજીકની આવક ઉપર ૬૯ ટકા વધારામાં ૧૧૫૫ લાખ નફો બનાવ્યો છે. દેવું વધતું રહી ૨૫૪૪ લાખ થયું છે. બે વર્ષ પૂર્વે આવક માંડ ૨૮ કરોડ અને નફો ૨૬૩ લાખ હતો. ઇશ્યુમાંથી ૨૬૫૦ લાખ વર્કિંગ કૅપિટલમાં વાપરશે. સવાસાત કરોડની મશીનરી ખરીદશે. ૧૩૬ લાખનો શેડ બાંધશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ બોલાતું નથી. બીજી કંપની ઇન્દોરની શક્તિ પૉલિટ્રેપ ૧૦ના શૅરદીઠ ૫૯ની અપરબેન્ડમાં ૨૭ કરોડનું BSE SME ભરણું ૧૫મીએ લાવશે. QIB પોર્શન ૩૨ ટકા તથા રીટેલ પોર્શન ૩૬.૫ ટકા જેવો છે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની તાડપત્રી કે ટાર્પોલીન્સ તથા અન્ય પ્લાસ્ટિક બેઝ્ડ પ્રોડક્ટ્સ બનાવે છે. ગત વર્ષ ૩૦ ટકા વધારામાં ૨૧૬ કરોડની આવક ઉપર ૧૦૨ ટકા વૃદ્ધિદરથી ૧૦૦૬ લાખ નફો દેખાડ્યો છે. દેવું તગડા દરે વધતું રહી ૭૨૫૧ લાખ થઈ ગયું છે. બે વર્ષ પહેલાં આવક ૬૨૨૩ લાખ તથા નફો માત્ર ૯૮ લાખ હતો. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.
ત્રીજી કંપની મુંબઈના ગોરેગામ-ઈસ્ટની ક્વૉન્ટો ઍગ્રોવર્લ્ડ ૧૦ના શૅરદીઠ ૬૭ના ભાવથી ૩૧ કરોડનો BSE SME ઇશ્યુ મંગળવારે કરશે. QIB પોર્શન નથી. રીટેલ પોર્શન ૫૦ ટકા પ્લસનો છે. ૨૦૧૮માં સ્થપાયેલી આ કંપની આમ તો મેડિસિન તથા ઍરોમેટિક પ્લાન્ટ્સની ખેતી, પ્રોસેસિંગ તથા સપ્લાય માટે સ્થપાઈ હતી. હાલ એ મુખ્યત્વે લેમનગ્રાસની કમર્શિયલ ધોરણે ખેતી કરે છે. લેમનગ્રાસ ઉપરાંત એના ઉપર આધારિત પ્રોડક્ટ્સ બનાવીને વેચે છે. ગત વર્ષે ૧૪૫ ટકા વધારામાં ૪૦૩૫ લાખની આવક ઉપર ૨૬ ટકા વધારામાં ૮૩૮ લાખનો નફો કર્યો છે. દેવું ૫૪૮ લાખ છે. બે વર્ષ પૂર્વે આવક ૧૫૫૬ લાખ અને નફો ૫૩૭ લાખ હતો. લીડમૅનેજરની છાપ સારી નથી. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી શરૂ થયું.