અલ નીનોની અસરે વરસાદ ખેંચાતાં સમગ્ર વિશ્વ પર વધતું મોંઘવારી અને ભૂખમરાનું જોખમ

04 September, 2023 12:26 PM IST  |  Mumbai | Mayur Mehta

ઑગસ્ટ નબળો ગયા બાદ સપ્ટેમ્બરમાં અલ નીનોની અસર વધવાની આગાહીઓ ઃ ભારતમાં તેલીબિયાં, કપાસ, દાળ-કઠોળ, એરંડા, ગુવાર સહિત તમામ ખરીફ પાકો પર વધતો ખતરો

પ્રતીકાત્મક તસવીર

અલ નીનોની ચર્ચા હાલ અત્ર-તત્ર-સર્વત્ર છે, કારણ કે ખાદ્યાન્ન પાકોનાં ઉત્પાદન પર ખતરો દિવસે-દિવસે વધી રહ્યો છે. ઑગસ્ટ, સામાન્ય રીતે ચોમાસાનો ટોચનો મહિનો ગણવામાં આવે છે, પરંતુ આ વર્ષે દેશના મોટા ભાગના ભાગો માટે કોઈ સારા સમાચાર લાવ્યો નથી. દેશમાં ઑગસ્ટ મહિનામાં વરસાદની કુલ ખાધ ૩૩ ટકા જોવા મળી રહી છે, જે છેલ્લાં ૧૨૩ વર્ષનો સૌથી ખરાબ ઑગસ્ટ મહિનો છે. ઑગસ્ટમાં, મધ્ય પ્રદેશમાં ૩૬ ટકા, રાજસ્થાનમાં ૭૯ ટકા, ગુજરાતમાં ૯૦ ટકા, કર્ણાટકમાં ૭૪ ટકા, કેરલામાં ૮૯ ટકા, તામિલનાડુમાં ૨૩ ટકા, તેલંગણમાં ૬૩ ટકા, આંધ્ર પ્રદેશમાં ૪૮ ટકા અને મણિપુરમાં ૩૫ ટકા વરસાદની ખાધ જોવા મળી હતી. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક ડૉ. સુષ્મા નાયરે જણાવ્યું હતું કે ‘આખા મહારાષ્ટ્રમાં ઑગસ્ટમાં ઓછો વરસાદ થયો હતો. મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે. સામાન્ય રીતે સારો વરસાદ પડતો કોંકણ પટ્ટો પણ ૫૪ ટકાની ખાધનો સાક્ષી છે. ઑગસ્ટ મહિનો વરસાદની રીતે અત્યંત ખરાબ ગયો હોવાથી હવે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ આવશે કે નહીં? એની ચિંતા સમગ્ર વિશ્વમાં છવાયેલી છે. કેટલાક હવામાન શાસ્ત્રીઓ સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડવાની આગાહી કરી રહ્યા છે, જ્યારે કેટલાક વિશ્વસ્તરના આગાહીકારો સપ્ટેમ્બર પણ ઑગસ્ટની જેમ કોરો રહેવાની અને ૧૭ સપ્ટેમ્બર પછી ચોમાસું વિદાય લેશે એવી આગાહીઓ પણ કરી રહ્યા છે. જોકે ઑગસ્ટમાં વરસાદ ન પડતાં એની અસર બહુ જ ઘેરી છે અને કદાચ સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડે તો પણ કેટલાક ખેતપાકોનું ઉત્પાદન ઘટશે એ નક્કી છે.

વિશ્વના અનેક દેશોમાં અલ નીનોની અસર

અલ નીનોની અસર શરૂ થતાં સમગ્ર એશિયામાં ઑગસ્ટ મહિનામાં સૂકું વાતાવરણ રહ્યા બાદ અનાજ અને તેલીબિયાં પાકને મોટી અસર થઈ છે. હવામાન નિષ્ણાતો સપ્ટેમ્બરમાં પણ ઓછા વરસાદની આગાહીઓ કરી રહ્યા છે, જેને પગલે પુરવઠામાં મોટો ખાંચરો પડે એવી ધારણા છે. વિશ્વના બીજા સૌથી મોટા નિકાસકાર એવા ઑસ્ટ્રેલિયામાં જ્યારે ઘઉંના ઉત્પાદનની આગાહીમાં સૂકા હવામાનને કારણે અંદાજો ઘટાડવામાં આવી રહ્યા છે ત્યારે ચોમાસાના રેકૉર્ડ-નીચા વરસાદથી ભારતમાં ચોખા સહિતના પાકોનાં ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની ધારણા છે. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખા નિકાસકાર દેશ છે. દક્ષિણપૂર્વ એશિયામાં અપૂરતો વરસાદ, એ દરમ્યાન, પામ તેલનો પુરવઠો ખોરવી શકે છે, જે વિશ્વના સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખાદ્યતેલ છે, જ્યારે ટોચના મકાઈ અને સોયાબીનના આયાતકાર ચીનમાં પ્રતિકૂળ હવામાન ખાદ્ય ઉત્પાદનને જોખમમાં મૂકી રહ્યું છે.

અમે વિશ્વના કેટલાક ભાગોમાં સંપૂર્ણ વિકસિત અલ નીનો હવામાનમાં છીએ અને એ વર્ષના અંતમાં વધુ તીવ્ર બનશે એમ અમેરિકાસ્થિત મેક્સર ટેક્નૉલૉજિસના હવામાનશાસ્ત્રી ક્રિસ હાઇડે જણાવ્યું હતું. એશિયામાં હવામાનની પૅટર્ન શુષ્ક અલ નીનોની સ્થિતિ સાથે સંબંધિત હશે.

અલ નીનો એ પૅસિફિકનાં પાણીનું ઉષ્ણતામાન છે, જે સામાન્ય રીતે એશિયામાં સૂકી સ્થિતિ અને ઉત્તર અને દક્ષિણ અમેરિકાના ભાગોમાં અતિશય વરસાદમાં પરિણમે છે. ઑસ્ટ્રેલિયાના ઘઉંના ઉત્પાદનના અંદાજમાં ચાર વર્ષમાં પ્રથમ વખત વિશ્લેષકો દ્વારા ઘટાડો કરવામાં આવી રહ્યો છે, કારણ કે મુખ્ય ઉગાડતા વિસ્તારોમાં ઑગસ્ટમાં અપૂરતો વરસાદ પડ્યો છે.

ઘઉંનું ઉત્પાદન ૩૩૦ લાખ ટનના અમારા પ્રારંભિક અંદાજ કરતાં ઘટીને ૩૦૦ લાખ ટન થવા જઈ રહ્યું છે, એમ ઍગ્રીકલ્ચર બ્રોકરેજ આઇકૉન કૉમોડિટીઝના સલાહકાર સેવાઓના ડિરેક્ટર ઓલે હ્યુએ જણાવ્યું હતું. જો સપ્ટેમ્બરમાં સૂકું વાતાવરણ ચાલુ રહે છે તો અમે વધુ નીચા પાકને જોઈ રહ્યા છીએ. ઑસ્ટ્રેલિયાએ સતત ત્રણ વર્ષ સુધી ઘઉંનું બમ્પર ઉત્પાદન કર્યું છે, જેનાથી ચીન, ઇન્ડોનેશિયા અને જપાન જેવા આયાતકારો માટે પુરવઠો વધ્યો છે. દક્ષિણપૂર્વ એશિયામાં ચોખા, પામ તેલ, શેરડી અને કૉફીના પાકમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે, જેમાં ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડ સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઇન્ડોનેશિયાના પૂર્વીય ભાગો અને થાઇલૅન્ડના મોટા ભાગના ભાગોમાં છેલ્લા ૩૦થી ૪૦ દિવસમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, એમ મેક્સર હાઇડે જણાવ્યું હતું. આ વિસ્તારોમાં, સરેરાશના ૫૦થી ૭૦ ટકા વરસાદ થયો છે. સપ્ટેમ્બરનો મોટા ભાગનો સમય થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયામાં સામાન્ય વરસાદથી ઘણો ઓછો રહેશે. અમેરિકામાં મકાઈ અને સોયાબીનના પાકને તાજેતરના અઠવાડિયામાં શુષ્કતાને કારણે નુકસાન થયું છે. જોકે હવામાન અલ નીનો સાથે સંકળાયેલું નથી, એમ વર્લ્ડ વેધર ઇન્કના પ્રમુખ ડ્રુ લર્નરે જણાવ્યું હતું. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી, જોકે અમેરિકાનાં ખેતરોમાં દક્ષિણનાં રાજ્યોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ સાથે અલ નીનોની મોટી અસર જોવા મળશે, જેનાથી શિયાળાના ઘઉંને ફાયદો થશે, એમ લર્નરે જણાવ્યું હતું.

ભારતમાં અનેક પાકોનું ભાવિ ખતરામાં

ખરીફ પાકો ભારતની કરોડરજ્જુ હોવાથી જો ખરીફ પાકોનાં ઉત્પાદનમાં ગાબડું પડશે તો ભારતીય જનમાનસ, અર્થકારણ અને ફાઇનૅન્શિયલ માર્કેટ પર મોટી અસર જોવા મળશે. તેલીબિયાં પાકોમાં મગફળી, સોયાબીન, સૂર્યમુખી, તલ, એરંડા વગેરે મુખ્ય પાકો છે તો ધાન્ય પાકોમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ વગેરે તેમ જ કઠોળ પાકોમાં તુવેર, અડદ, મગ, મઠ વગેરે અને અન્ય મુખ્ય પાકોમાં કપાસ અને શેરડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુવાર, એરંડા વગેરે નાના પાકોનું ભાવિ પણ વરસાદ પરથી નક્કી થાય છે. વરસાદ ખેંચાતાં તેલીબિયાંનું ઉત્પાદન ઘટશે તો દેશની ખાદ્ય તેલોની આયાતમાં મોટો વધારો થશે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ઑલરેડી ખાદ્ય તેલોની જંગી આયાત થઈ ચૂકી છે એમાં વધારો થશે તો ભારતનું કીમતી વિદેશી હૂંડિયામણ બરબાદ થશે. આવી જ

સ્થિતિ દાળ-કઠોળમાં થઈ શકે છે. હાલ ઑલરેડી તુવેર, અડદ, મગ, ચણા વગેરેના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચી ચૂક્યા છે.

ઍગ્રિ કૉમોડિટીની નિકાસ પર મોટી અસર થશે

ભારત હવે વિશ્વમાં ખાંડનું અગત્યનું નિકાસકાર બન્યું છે અને એના થકી ભારતને મોટું વિદેશી હૂંડિયામણ મળી રહ્યું છે. એ જ રીતે ગુવારમાંથી બનતું ગમ અને એરંડામાંથી બનતા દિવેલની નિકાસમાં ભારત અવ્વલ નંબરે છે. અલ નીનોની અસરે શેરડી, ગુવાર અને એરંડાના પાકને મોટી અસર થઈ છે. મસાલા પાકોની નિકાસમાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઉપર છે. વરસાદ ખેંચાતાં માત્ર ખરીફ પાક જ નહીં, બલકે રવી પાકના ભાવિને પણ અસર થઈ છે. સામાન્ય રીતે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે વરસાદ પડે એના પાણી વડે જ રવી વાવેતર થતું આવ્યું છે. હાલ ઑગસ્ટ કોરો ગયો છે અને હવે જો સપ્ટેમ્બર પણ કોરો જશે તો ખરીફ મરચાં અને હળદરના પાકને તો અસર થશે, પણ રવી સીઝનના મસાલા પાકો જીરું, ધાણા, વરિયાળી, ઇસબગુલ, મેથી, કલોંજી વગેરે પાકોનાં ઉત્પાદનને પણ મોટી અસર થશે.

ઓવરઑલ, અલ નીનોની અસર જેમ-જેમ ઘેરી બનશે એમ મોંઘવારી અને ભૂખમરાનું જોખમ વધતું જશે.

commodity market Weather Update indian ocean business news