14 October, 2024 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
PM ઇન્ટર્નશિપ સ્કીમ માટેનું પોર્ટલ શનિવારે લાઇવ થયું હતું અને આ પોર્ટલે ઘણી મોટી કંપનીઓને આકર્ષિત કરી છે. એનો હેતુ યુવાનો અને યુવતીઓમાં રોજગાર પ્રદાન કરવાનો છે.
આ પોર્ટલ દ્વારા ૧૯૦થી વધુ કંપનીઓએ ૯૦,૦૦૦થી વધારે ઇન્ટર્નશિપ ઑફર કરી છે. આ કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, લાર્સન ઍન્ડ ટુબ્રો, મારુતિ સુઝુકી, જુબિલન્ટ ફૂડવર્ક્સ, આઇશર મોટર્સ, ONGC, HDFC બૅન્ક, તાતા સ્ટીલ, ઇન્ફોસિસ, ITC અને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનનો સમાવેશ છે.
અરજદારો આધાર આધારિત રજિસ્ટ્રેશન અને પોર્ટલ પર બાયો-ડેટા જનરેશન જેવાં સાધનો દ્વારા ઇન્ટર્નશિપ વિગતો ઍક્સેસ કરી શકે છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમના જુલાઈ મહિનાના બજેટમાં આ સ્કીમની જાહેરાત કરી હતી. કંપનીઓએ તેમના કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) ફન્ડમાંથી તાલીમ-ખર્ચ અને દસ ટકા ઇન્ટર્નશિપ ખર્ચ કરવો પડશે.
આ એક પાઇલટ પ્રોજેક્ટ છે અને કૉર્પોરેટ અફેર્સ મંત્રાલયના અભ્યાસના આધારે એના કવરેજને વિસ્તૃત કરવા માટે કૅબિનેટની મંજૂરી આ યોજનાને અંતિમ સ્વરૂપ આપશે. અરજદારો pminternship.mca.gov.in પોર્ટલ પર તેમની નોંધણી પણ કરાવી શકશે. આમાં ૨૧થી ૨૪ વર્ષની વયજૂથના યુવાનો નોંધણી કરાવી શકશે અને તેમને ટોચની ૫૦૦ કંપનીઓમાં એક વર્ષની ઇન્ટર્નશિપ પ્રાપ્તથશે. તેમને દર મહિને પાંચ હજાર રૂપિયા ભથ્થું અને વન-ટાઇમની છ હજાર રૂપિયાની ગ્રાન્ટ મળશે.
24- ઇન્ટર્નશિપ ઑઇલ, ગૅસ અને એનર્જી તથા ટ્રાવેલ, બૅન્કિંગ જેવાં કુલ આટલાં સેક્ટરમાં ઉપલબ્ધ છે
મહરાષ્ટ્ર મોખરે
આ ઇન્ટર્નશિપની તકો આખા ભારતમાં ૭૩૭ જિલ્લામાં ઉપલબ્ધ થશે અને ટોચનાં પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે, જ્યાં ૧૦,૨૪૨ ઇન્ટર્નશિપની તક ઉપલબ્ધ છે. આ સિવાય તામિલનાડુમાં ૯૮૨૭, ગુજરાતમાં ૯૩૧૧, કર્ણાટકમાં ૮૩૨૬ અને ઉત્તર પ્રદેશમાં ૭૧૫૬ તકો ઉપલબ્ધ છે.