અમેરિકન ડેટાના આટાપાટામાં વિશ્વ બજારો ફરીથી મજબૂત

17 August, 2024 07:31 AM IST  |  Mumbai | Anil Patel

ઘરઆંગણે સેન્સેક્સ ૧૩૩૧ પૉઇન્ટ અને નિફ્ટી ૩૯૭ પૉઇન્ટની તેજીમાં બંધ, માર્કેટ કૅપ ૭.૩૧ લાખ કરોડ વધી ગયું

પ્રતીકાત્મક તસવીર

ઘરઆંગણે સેન્સેક્સ ૧૩૩૧ પૉઇન્ટ અને નિફ્ટી ૩૯૭ પૉઇન્ટની તેજીમાં બંધ, માર્કેટ કૅપ ૭.૩૧ લાખ કરોડ વધી ગયું : CDSL અને MCX તગડા ઉછાળે ઑલટાઇમ હાઈ, BSEની આગેકૂચ : વેદાન્તાની ડિસ્કાઉન્ટથી ઑફર ફૉર સેલમાં હિન્દુસ્તાન ઝિન્ક લથડ્યો : જેપી મૉર્ગનનો બુલિશ વ્યુ DLFને ફળ્યો : યુનિકૉમર્સ ઈ-સૉલ્યુશન સારા બજારમાં ઘટીને નવા તળિયે, ફર્સ્ટક્રાય મજબૂત : ઇન્ટરઆર્ક બિ​લ્ડિંગનો શૅરદીઠ ૯૦૦ના ભાવનો ઇશ્યુ સોમવારે, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને ૩૩૨ રૂપિયા

નવા ડેટા સારા આવતાં અમેરિકા ખાતે રિસેશનનો હાઉ ગાયબ થયો છે. ત્યાંથી મધ્યસ્થ બૅન્ક હવે સપ્ટેમ્બરની પૉલિસી મીટિંગમાં અડધા ટકા સુધીનો રેટ-કટ જાહેર કરી દેશે એવી વાર્તા શરૂ થઈ ગઈ છે. નૅસ્ડૅક ઇન્ડેક્સ વધુ બે ટકા મજબૂત બન્યો છે. આની પાછળ શુક્રવારે તમામ અગ્રણી એશિયન બજારો સારાં એવાં પ્લસ હતાં. જપાન સાડાત્રણ ટકા, તાઇવાન અને સાઉથ કોરિયા બે-બે ટકા, હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, થાઇલૅન્ડ તથા સિંગાપોર એક ટકાથી વધુ અપ હતા. યુરોપ સાધારણથી માંડી અડધા ટકા આસપાસ રનિંગમાં ઉપર દેખાયું છે.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી સાડાછસ્સો પૉઇન્ટને ગૅપમાં ઉપર, ૭૯,૭૫૫ ખૂલી ૧૩૩૧ પૉઇન્ટની નોંધપાત્ર મજબૂતીમાં ૮૦,૪૩૭ તથા નિફ્ટી ૩૯૭ પૉઇન્ટની તેજીમાં ૨૪,૫૪૧ બંધ થયો છે. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. સેન્સેક્સ નિફ્ટીની ૧.૭ ટકાની મજબૂતી સામે આઇટી બેન્ચમાર્ક પોણાત્રણેક ટકા સુધી ઊછળ્યો છે. ટેક્નૉલૉજીઝ, રિયલ્ટી, ઑટો, નિફ્ટી મીડિયા જેવા આંક બેથી અઢી ટકા પ્લસ હતા. બૅન્ક નિફ્ટી ૧.૬ ટકા કે ૭૯૦ પૉઇન્ટ નજીક ઊંચકાયો હતો. બૅન્કિંગના ૪૧માંથી ૩૭ શૅર વધ્યા છે.

રોકડું અને બ્રૉડર માર્કેટ પણ પોણાબે ટકા આસપાસ વધેલું હાઇ માર્કેટ બ્રેડથ સ્ટ્રોંગ રહી છે. NSEમાં વધેલી ૧૬૨૪ જાતો સામે ૭૩૭ શૅર નરમ હતા. બજારનું માર્કેટકેપ ૭.૩૧ લાખ કરોડના માતબર ઉમેરામાં હવે ૪૫૧.૫૦ લાખ કરોડ નજીક આવી ગયું છે. શુક્રવારની તેજીના કારણે બજારમાં વીકલી ધોરણે સળંગ બે સપ્તાહની નરમાઇ અટકી છે. સેન્સેક્સ વીકલી ધોરણે ૭૩૧ પૉઇન્ટ કે ૦.૯ ટકા તો નિફ્ટી ૧૭૪ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધવામાં સફળ થયા છે. 

ઓલા ઇલેક્ટ્રિકની આવક સાથે ખોટ વધી, શૅર તેજીની સર્કિટમાં

 ઓલા ઇલેક્ટ્રિકની ત્રિમાસિક આવક ૩૨ ટકા વધી ૧૬૪૪ કરોડ થઈ છે. સાથે-સાથે નેટ લૉસ પણ ૨૬૭ કરોડથી વધી ૩૪૬ કરોડે પહોંચી છે. સમીક્ષા હેઠળના ગાળામાં વ્યાજખર્ચ ૩૬ કરોડથી વધી ૬૭ કરોડ નોંધાયું છે. નબળા પરિણામ વચ્ચે કંપનીએ ઈ-મોટરસાઇકલ કે ઈ-બાઇક ક્ષેત્રે ઝંપલાવવાની જાહેરાત કરી છે. HSBC તરફથી ૧૪૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ અપાયો છે. એમાં શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૩૩ નજીક નવા શિખરે જઈ ગઈ કાલે ત્યાં જ બંધ થયો છે. તાજેતરમાં લિસ્ટેડ ફર્સ્ટક્રાય ગઈ કાલે ૬૩૧ ખૂલી ઉપરમાં ૬૮૭ વટાવી ૪.૨ ટકાની મજબૂતીમાં ૬૬૯ હતો. યુનિકૉમર્સ ઈ-સૉલ્યુ ૧૮૮ની નવું બૉટમ બનાવી ૩.૪ ટકા ઘટી ૧૮૯ રહ્યો છે.

CDSL એક્સ-બોનસની રેકૉર્ડ ડેટ નજીક આવતાં ૨૮૧૨ના બેસ્ટ લેવલે જઈ નવેક ટકા કે ૨૨૭ રૂપિયાની તેજી સાથે ૨૭૮૮ થયો છે. એની પેરન્ટ્સ BSE લિમિટેડ ઉપરમાં ૨૬૭૭ વટાવી ૩.૪ ટકા વધીને ૨૬૪૬ હતી. MCXમા બોનસ અથવા શૅરવિભાજનની વાતો થવા માંડી છે. શૅર ગઈ કાલે દોઢા કામકાજે ૪૬૬૯ની વિક્રમી સપાટી નોંધાવી ૫.૮ ટકા કે ૨૫૩ રૂપિયાના ઉછાળે ૪૬૩૧ થયો છે. RHI મૅગ્નેસિટા અર્થાત્ અગાઉની ઓએન્ટ રિફ્રેક્ટરીઝે આવકમાં ૬ ટકાના ઘટાડા સામે ૫૬ ટકાના વધારામાં ૭૩ કરોડ જેવો નેટ પ્રૉફિટ કરતાં શૅર ૫૪ ગણા જંગી વૉલ્યુમે ઉપરમાં ૬૭૨ વટાવી અંતે ૬ ટકા વધી ૬૨૭ બંધ રહ્યો છે. પિયર ગ્રુપમાં વિસુવિયસ ઇન્ડિયા પણ ૭.૩ ટકા કે ૩૪૮ રૂપિયાના જમ્પમાં ૫૧૧૮ થયો છે. કચ્છી માડુની પારસ ડિફેન્સને ૩૦૫ કરોડનો નવો ઑર્ડર મળતાં ભાવ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૨૦૭ બંધ હતો. કોરોમંડલ ઇન્ટરનૅશનલનો ચેન્નઈ પ્લાન્ટ પુનઃ કાર્યરત થતાં શૅર ૧૭૮૦ની સર્વોચ્ચ સપાટી બનાવી ચાર ટકા ઊંચકાઈ ૧૭૫૫ થયો છે.

એસ્થેટિક એન્જિનિયર્સનું લિસ્ટિંગ ધારણા કરતાં બહેતર રહ્યું

SME સેગમેન્ટમાં કલકત્તાની એસ્થેટિક એન્જિનિયર્સ ૧૦ના શૅરદીઠ ૫૮ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૪૫ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૧૧૦ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૧૬ નજીક જઈ ત્યાં બંધ થતાં એમાં ૯૯.૫ ટકાનો મજેદાર લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મંગળવારે મેઇન બોર્ડમાં સરસ્વતી સાડી ડેપો તથા SMEમા પોસિટ્રોન એનર્જી અને સનલાઇટ રીસાઇક્લિંગનું લિસ્ટિંગ છે. સરસ્વતી સાડીમાં ભરણું પૂરું થયા પછી ૧૦૦વાળું પ્રીમિયમ ગગડતું રહી હાલ ૪૨ થઈ ગયું છે. જ્યારે પોસિટ્રોનમાં ૨૪૦ અને સનલાઇટમાં ૬૧નાં પ્રીમિયમ છે.

સોમવારે ઇન્ટરઆર્ક બિલ્ડિંગ પ્રોડક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૯૦૦ની અપર બૅન્ડમાં ૬૦૦ કરોડનો IPO કરવાની છે. ગ્રે માર્કેટમાં ૩૯૫થી શરૂ થયેલું પ્રીમિયમ ઘસાતું રહી અત્યારે ૩૩૨ જેવું બોલાય છે. કેરલાની સૉલ્વ પ્લાસ્ટિક પ્રોડક્ટસનો શૅરદીઠ ૯૧ના ભાવનો ૧૧૮૫ લાખનો SME ઇશ્યુ કુલ ૩૪ ગણા તથા ભરૂચની બ્રૉચ લાઇફ કૅરનો શૅરદીઠ ૨૫ના ભાવનો ૪૦૨ લાખનો ઇશ્યુ ૧૫૯ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. બન્નેમાં પહેલેથી ગ્રે માર્કેટમાં કોઈ કામકાજ નથી. સોમવારે પશ્ચિમ બંગાળની ફોરકાસ સ્ટુડિયો ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવથી ૩૭૪૪ લાખનો તથા નવી દિલ્હીની બ્રેસ પોર્ટ લૉજિસ્ટિક્સ ૧૦ના શૅરદીઠ ૮૦ના ભાવથી ૨૪૪૧ લાખનો SME ઇશ્યુ કરવાની છે. ફોરકાસમાં ગ્રે માર્કેટ ખાતે ૫૦થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી ૭૫ તથા બ્રેસ પોર્ટ‍્સમાં ૮૦વાળું પ્રીમિયમ સુધરીને હાલમાં ૮૫ ક્વોટ થાય છે.

સનફાર્માના પરચૂરણ ઘટાડાને બાદ કરતાં તમામ શૅર વધીને બંધ

સનફાર્માની ૫૦ પૈસાની પરચૂરણ નરમાઈને બાદ કરતાં ગઈ કાલે સેન્સેક્સના બાકીના ૨૯ શૅર પ્લસ હતા. નિફ્ટી ખાતે ૫૦માંથી માત્ર ૩ શેક, ડૉ. રેડ્ડીઝ લૅબ, SBI લાઇફ અને ડિવીઝ લૅબ માઇનસ હતા. ડિવીઝ લૅબ સર્વાધિક અડધો ટકો ઘટ્યો હતો. સામે વિપ્રો સવાચાર ટકાના ઉછાળે ૫૧૬ના બંધમાં નિફ્ટી ખાતે તો ટેક મહિન્દ્ર ૪ ટકાના જમ્પમાં ૧૫૮૫ના બેસ્ટ લેવલ સાથે સેન્સેક્સમાં ટૉપ ગેઇનર બન્યો છે. TCS ત્રણેક ટકાની આગેકૂચમાં ૧૨૫ રૂપિયા વધીને ૪૪૧૬ વટાવી ગયો છે. તાતા મોટર્સ સાડાત્રણ ટકા, મહિન્દ્ર ૩.૪ ટકા, HCL ટેક્નૉ અને અલ્ટ્રાટેક ૨.૬ ટકા, તાતા સ્ટીલ ૨.૩ ટકા, ITC અને ICICI બૅન્ક સવાબે ટકા નજીક, ગ્રાસ‌િમ સાડાત્રણ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ ત્રણ ટકા, અપોલો હૉસ્પિટલ્સ તથા લાટિમ અઢી ટકા, ભારત પેટ્રો અને અદાણી એન્ટરપ્રાઇઝિસ સવાબે ટકા મજબૂત હતા. અદાણી પોર્ટ‍્સ, બજાજ ફાઇનૅન્સ, હિન્દાલ્કો, JSW સ્ટીલ, ઇન્ફોસિસ, નેસ્લે, ઇન્ડસઇન્ડ બૅન્ક બે ટકા આસપાસ વધ્યા છે. રિલાયન્સ ૧.૨ ટકાના સુધારામાં ૨૯૫૬ હતો. HDFC બૅન્ક દોઢ ટકો વધી ૧૬૩૨ના બંધમાં બજારને સર્વાધિક ૧૬૧ પૉઇન્ટ લાભદાયી નીવડ્યો છે. ICICI બૅન્કની સવાબે ટકાની તેજી ૧૫૫ પૉઇન્ટ ફળી હતી.

આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૫૪ શૅરના સથવારે પોણાત્રણ ટકા કે ૧૦૯૮ પૉઇન્ટ વધ્યો છે. ઝેનસાર ટેક્નૉ સાડાસાત ટકાના જમ્પમાં ૭૯૮ બંધ આપી મોખરે હતો. ન્યુક્લિયસ, લાર્સન ટેક્નૉલૉજી, ન્યુજેન, બિરલા સૉફ્ટ, રામકો સિસ્ટમ્સ, ઝગલ, મૅપમાયઇન્ડિયા, જેનેસિસ, એમ્ફાસિસ જેવી જાતો સવાપાંચથી સવાસાત ટકા ઊંચકાઈ છે. ટેલિકૉમમાં વીંધ્ય ટેલિ સાડાસાત ટકા કે ૧૭૪ રૂપિયા રણકીને ૨૪૯૭ થયો છે.

બાયબૅકના કરન્ટમાં સુપ્રજિત એન્જિનિયરિંગ વૉલ્યુમ સાથે ઊછળ્યો

સુપ્રજિત એન્જિનિયરિંગે શૅરદીઠ ૭૫૦ના ભાવે બાયબૅક જાહેર કર્યું છે. રેકૉર્ડ ડેટ ૨૭ ઑગસ્ટ છે. શૅર ૨૨ ગણા કામકાજે ૬૪૦ના શિખરે જઈ ૧૫ ટકાના ઉછાળે ૬૧૯ બંધ આવ્યો છે. હિન્દુસ્તાન ઝિન્કમાં પ્રમોટર વેદાન્તા અગાઉના બંધ ભાવ કરતાં ૧૫ ટકા ડિસ્કાઉન્ટમાં શૅરદીઠ ૪૮૬ની ફ્લોર પ્રાઇસથી ઑફર ફૉર સેલ મારફત ૮૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા સક્રિય બનતાં ભાવ સાડાનવ ટકા ગગડી ૫૧૮ બંધ થયો છે. વધુમાં મંગળવારે સ્પેશ્યલ ડિવિડન્ડ માટે કંપનીની બોર્ડ-મીટિંગ છે. જેનો પેઆઉટ ૮૦૦૦ કરોડ હશે એમ મનાય છે. જેનો મહત્તમ લાભ વેદાન્તા લઈ જશે. વેદાન્તાનો શૅર ગઈ કાલે બે ટકા વધી ૪૨૯ હતો. પિયર ગ્રુપમાં પૉન્ડી ઑક્સાઇડ સવાનવ ટકા કે ૧૨૭ની તેજીમાં ૧૪૮૫ હતી. ગ્રેવિટા ઇન્ડિયા બુલરન જારી રાખતાં ૨૩૧૦ની વિક્રમી સપાટી નોંધાવી ૨૬૦ રૂપિયા કે સવાતેર ટકાના ઉછાળે ૨૨૧૪ થયો છે. વૉલ્યુમ છ ગણું હતું.

DLFમાં જેપી મૉર્ગને ૧૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનો કૉલ આપતાં શૅર પોણાત્રણ ગણા કામકાજે સાડાપાંચ ટકા ઊંચકાઈ ૮૬૭ વટાવી ગયો છે. જામશ્રી રિયલ્ટી ૧૦૦૦ના શૅરના ૧૦ રૂપિયામાં વિભાજનમાં બે ટકાની ઉપલી સર્કિટની હારમાળા ચાલુ રાખતાં એક્સ-સ્પ્લિટ થતાં ૨૨૯ નજીક હતો.

ગઈ કાલે રિયલ્ટી ઇન્ડેક્સ અઢી ટકા વધ્યો છે. શોભા, બ્રિગેડ એન્ટર, ગોદરેજ પ્રૉપર્ટીઝ તથા ઑબેરૉય રિયલ્ટી દોઢથી અઢી ટકા પ્લસ હતી. ટ્રેડ સીક્રેટના ભંગ બદલ અમેરિકન કોર્ટ તરફથી સ્ટરલાઇટ ટેક્નૉલૉજીઝને ૮૧૦ કરોડની પેનલ્ટી ફરમાવાઈ છે. શૅર દોઢ ટકો ઘટી ૧૩૩ હતો.

પૉલિસી બાઝાર ફેમ પી. બી. ફિનટેક સવાસાત ટકા ઊછળી ૧૬૮૭ બંધ આવ્યો છે. શૅર સપ્તાહમાં સવાસોળ ટકા વધ્યો છે. એલઆઇસી ત્રણ ટકા વધી ૧૦૫૮ નજીક સરક્યો છે. યુફ્લેક્સ પરિણામ પાછળ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૬૭૫ની ટોચે ગયો હતો. બંગલાદેશની અસ્થિરતા પછી ગાર્મેન્ટ્સ શૅરોમાં સિલેક્ટિવ તેજી જળવાઈ રહી છે. કિટેક્સ ગાર્મેન્ટ્સ ૩૩૯ની ટૉપ બતાવી ૧૨.૮ ટકા વધી ૩૨૩, ગોકળદાસ એક્સ ચાર ટકા વધી ૯૦૪, લવેબલ લિંગરી સવાપાંચ ટકા વધી ૧૫૧, વીઆઇપી ક્લોધિંગ્સ પાંચ ટકાની ઉપલી સર્કિટે બંધ હતા.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange