ભારતીય કંપનીઓ સૅલેરીમાં ૧૦.૪ ટકાનો વધારો કરશે : સર્વે

27 September, 2022 03:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક મંદીના પ્રકોપ અને અસ્થિર ફુગાવા વચ્ચે પણ કૉર્પોરેટ સેક્ટર ડબલ ડિજિટમાં પગાર વધારશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

કૉર્પોરેટ ઇન્ડિયા એના મજબૂત બિઝનેસ પર્ફોર્મન્સને લઈને મજબૂત વલણ ધરાવે છે અને ૨૦૨૩માં ૧૦.૪ ટકા જેટલો બે આંકડાનો પગારવધારો કરે એવી અપેક્ષા છે, એમ એક સર્વેમાં સોમવારે જણાવાયું હતું.

અગ્રણી વૈશ્વિક વ્યાવસાયિક સેવા કંપની એઓનના ભારતમાં તાજેતરના પગારવધારાના સર્વે અનુસાર ભારતમાં પગારવધારો ૧૦.૪ ટકા વધવાની ધારણા છે, જે ૨૦૨૨માં આજની તારીખે ૧૦.૬ ટકાના વાસ્તવિક વધારાની સરખામણીમાં થોડો ફેરફાર છે, જ્યારે ફેબ્રુઆરીમાં ૯.૯ ટકાનો વધારાનો અંદાજ મૂક્યો હતો જેની તુલનાએ વધારે છે.

ભારતના ૪૦થી વધુ ઉદ્યોગોના ૧૩૦૦ કંપનીઓના ડેટાનું વિશ્લેષણ કરતાં અભ્યાસમાં નોંધવામાં આવ્યું છે કે ૨૦૨૨ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એટ્રિશન રેટ ૨૦.૩ ટકાના દરે ઊંચો રહ્યો છે, જે ૨૦૨૧માં નોંધાયેલા ૨૧ ટકા કરતાં નજીવો ઓછો છે. આ વલણ આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેવાની ધારણા છે, એવું સર્વેમાં નોંધ્યું છે.

વૈશ્વિક મંદીના પ્રકોપ અને અસ્થિર સ્થાનિક ફુગાવા છતાં ભારતમાં ૨૦૨૩ માટે પગારવધારાનો અંદાજ બે આંકડામાં છે એમ ભારતમાં એઓન ખાતે હ્યુમન કૅપિટલ સોલ્યુશન્સના ભાગીદાર રૂપંક ચૌધરીએ જણાવ્યું હતું.

business news corporate