12 July, 2023 12:27 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઘણાં વિપક્ષ શાસિત રાજ્યોએ જીએસટી નેટવર્ક સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ને માહિતી શૅર કરવાની મંજૂરી આપવાના કેન્દ્રના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. આપ શાસિત પંજાબના નાણાપ્રધાન હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે ‘એ ટૅક્સ ટેરરિઝમ અને નાના વેપારને ડરાવવા સમાન છે.
નાણાં મંત્રાલયે એક નૉટિફિકેશન દ્વારા પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ), ૨૦૦૨ની જોગવાઈઓમાં સુધારો લાવ્યો હતો જે મુજબ જીએસટીએ જે ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સની ટેક્નૉલૉજી બૅકબોનનું સંચાલન કરે છે એની સાથે ઈડી જેવી સંસ્થાઓને માહિતી શૅર કરવાની જાહેરાત કરી છે.
મંગળવારે ૫૦મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આમ-આદમી પાર્ટીએ દિલ્હીમાં શાસન કરે છે અને પંજાબે નૉટિફિકેશન પર ચિંતા વ્યક્ત કરી અને ચર્ચાની માગ કરી હતી.
ઘણા નાણાપ્રધાનોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, તેલંગણ અને રાજસ્થાને એમની ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે જીએસટી કાઉન્સિલમાં એની ચર્ચા થવી જોઈએ એમ દિલ્હી નાણાપ્રધાન આતિશીએ જણાવ્યું હતું.
ચીમાએ કહ્યું કે ઘણાં રાજ્યોએ ચર્ચાની માગ કરી છે. અધિસૂચનાથી ઈડીને કોઈ પણ વેપારી જીએસટી ન ચૂકવે તો તેને પકડવાની સત્તા આપશે. આવા નિર્ણયથી દેશમાં ટૅક્સ ટેરરિઝમ વધશે અને એ નાના વેપારીઓ અને સામાન્ય માણસો માટે જોખમી છે.