08 November, 2024 06:07 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
ડોનલ્ડ ટ્રમ્પના શાસનમાં અમેરિકી ડૉલરની મજબૂતી વધવાની ધારણાએ સોના-ચાંદી સતત બીજે દિવસે ગગડ્યાં હતાં. વર્લ્ડ માર્કેટમાં સોનું વધ્યા ભાવથી ૧૫૦ ડૉલર ઘટીને ૨૬૪૧.૭૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું. વળી ચીને ઑક્ટોબરમાં સતત છઠ્ઠા મહિને સોનાની ખરીદી ન કરતાં પ્રૉફિટ બુકિંગ વધ્યું હતું.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૩૫૬ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૫૩૨ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં ચાંદી છેલ્લા ૭ દિવસમાં ૭૬૭૧ રૂપિયા એટલે કે ૭.૮ ટકા ઘટી હતી.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન પ્રેસિડન્ટપદે ડોનલ્ડ ટ્રમ્પની જીત બાદ ડૉલર ઇન્ડેક્સમાં મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. ડૉલર ઇન્ડેક્સ એક તબક્કે વધીને ૧૦૫.૨૫ પૉઇન્ટે પહોંચ્યા બાદ ૧૦૪.૯૧ પૉઇન્ટ સુધી ઘટ્યો હતો. ટ્રમ્પની પૉલિસી વિશે જાતજાતનાં અનુમાનો ઍનલિસ્ટો દ્વારા માર્કેટમાં આવી રહ્યાં હોવાથી એના આધારે ડૉલરની વધ-ઘટ થઈ રહી છે. વળી ટ્રમ્પની જીત બાદ ફેડની હાલમાં ચાલી રહેલી મીટિંગના અંતે રેટ-કટ આવશે કે નહીં એની પણ અનિશ્ચિતતા વધી હોવાથી એની અસર ડૉલર ઇન્ડેક્સ પર પડી રહી છે. એ ઉપરાંત ટ્રમ્પની ફૉરેન પૉલિસીના આધારે અન્ય દેશોની કરન્સી પર શું અસર પડશે એની વધ-ઘટ દરેક કરન્સીમાં શરૂ થઈ ચૂકી હોવાથી એની અસર ડૉલર ઇન્ડેક્સ પર પડી રહી છે. અમેરિકન ટ્રેઝરી બૉન્ડના યીલ્ડની મજબૂતી વધી રહી હોવાથી યીલ્ડ ૦.૦૦૨ ટકા વધીને ૪.૪૨૮ ટકાએ પહોંચ્યા હતા.
ચીનની એક્સપોર્ટ ઑક્ટોબરમાં ૧૨.૭ ટકા વધીને ૨૭ મહિનાની ઊંચાઈએ ૩૦૯.૦૬ અબજ ડૉલરે પહોંચી હતી જેના વિશે માર્કેટની ધારણા પાંચ ટકા વધવાની હતી તેમ જ સપ્ટેમ્બરમાં એક્સપોર્ટ ગ્રોથ પાંચ મહિનાનો સૌથી ઓછો ૨.૪ ટકા રહ્યો હતો. વાર્ષિક ધોરણે સતત સાતમા મહિને એક્સપોર્ટ વધી હતી. ચીનની એક્સપોર્ટ ૨૦૨૪ના ૧૦ મહિનામાં ગયા વર્ષથી ૫.૧ ટકા વધી હતી જેમાં ઍગ્રિકલ્ચર પ્રોડક્ટ, પ્લાસ્ટિક પ્રોડક્ટ, ટેક્સટાઇલ, ઍલ્યુમિનિયમ પ્રોડક્ટ અને હાઉસહોલ્ડ અપ્લાયન્સિસનો ફાળો સૌથી મોટો હતો. ચીનની ઇમ્પોર્ટ ૨.૩ ટકા ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૨૧૩.૩ અબજ ડૉલરે પહોંચી હતી જેના વિશે માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી અને સપ્ટેમ્બરમાં ઇમ્પોર્ટ ૦.૩ ટકા વધી હતી. ચાઇનીઝ ઇમ્પોર્ટમાં છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત ઘટાડો થયો હતો. એક્સપોર્ટમાં આવેલા જમ્પ સામે ઇમ્પોર્ટ ઘટતાં ચીનની ટ્રેડ સરપ્લસ વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૯૫.૨૭ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૫૬.૧૩ અબજ ડૉલર હતી.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના પ્રેસિડન્ટપદે ડોનલ્ડ ટ્રમ્પની જીત થતાં ઇકૉનૉમિક કન્ડિશન, ડૉલરની મજબૂતી અને ટ્રેડ રિલેશન વિશે જાતજાતનાં અનુમાનોની ભરમાર ચાલુ થઈ ચૂકી છે. ખાસ કરીને ટ્રમ્પ દ્વારા કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો અને ઇન્ફ્રાસ્ટ્રકચર સ્પેન્ડિંગમાં વધારો થવાની ધારણાએ ઇન્ફ્લેશન વધશે એથી ફેડ વધુ રેટ-કટ નહીં કરી શકે એવી શક્યતાએ ડૉલર ઇન્ડેક્સ વધી રહ્યો હોવાથી સોના-ચાંદીના ભાવ સડસડાટ ઘટી રહ્યા છે, પણ સોનું ઇન્ફ્લેશનના વધારા સામે બેસ્ટ હેજિંગ ટૂલ્સ છે અને ટ્રમ્પના અગાઉના કાળમાં કન્ટ્રોવર્શિયલ પૉલિસી માટે જાણીતા છે. ટ્રેડ વૉર અને ફાઇનૅન્શિયલ ડિસ્પ્યુટથી સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધી શકે છે. ટ્રમ્પ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામના સખત વિરોધી છે તેમ જ ઇઝરાયલને પૂરું સમર્થન આપવાના મૂડમાં હોવાથી હાલમાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત પણ થઈ શકે છે અને વધુ લોહિયાળ પણ બની શકે છે. આવા સંજોગોમાં અનુમાન આધારિત સોના-ચાંદીમાં ટ્રેડ કરવાને બદલે વેઇટ ઍન્ડ વૉચ પૉલિસી અપનાવવી હિતાવહ બની રહેશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૭૮૦
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૬,૪૭૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૩૬૯
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)