06 August, 2024 03:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આનંદ મહિન્દ્ર
સપ્તાહના પહેલા જ દિવસે સોમવારે સેન્સેક્સ અને નિફ્ટીના આંકડા ઘટ્યા છે અને રોકાણકારોએ ૧૦ લાખ કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. શૅરબજારની આ ઉતાર-ચડાવની સ્થિતિ વિશે મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્રએ રોકાણકારોને ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સની સાથોસાથ ધીરજ રાખવાની ટિપ્સ પણ આપી છે. તેમણે ‘ઍક્સ’ પર લખ્યું છે કે ‘પ્રાણાયામની પ્રાચીન ભારતીય પદ્ધતિ અમલમાં મૂકવા માટે આનાથી વધુ શ્રેષ્ઠ સમય ન હોઈ શકે. એ ઊંડા શ્વાસ લેવા અને અંદરની તરફ જોવા વિશે છે. હું જોઉં છું કે ભારત વિશ્વનું એક ઓએસિસ છે, તએનો ઉદય મધ્યમથી લાંબા ગાળા સુધી બંધાયેલો નથી હોતો. લાંબી ગેમ રમો...’
શુક્રવારે ૮૦,૯૮૧.૯૫ પૉઇન્ટે બંધ થયેલો સેન્સેક્સ સોમવારે ૨૩૯૩.૭૬ પૉઇન્ટ એટલે કે લગભગ ૪ ટકા ઘટીને ૭૮,૫૮૮.૧૯ પર ખૂલ્યો હતો. એ જ રીતે નિફ્ટી ઇન્ડેક્સ શુક્રવારે ૨૪,૭૧૭.૭૦ પૉઇન્ટ સાથે બંધ થયો હતો અને સોમવારે ૪૧૪.૮૫ પૉઇન્ટ એટલે કે બે ટકા ઘટ્યો હતો. શૅરબજારમાં અનેક કંપનીના શૅરોના ભાવ ઘટ્યા છે એમ મહિન્દ્ર ગ્રુપના શૅરોના ભાવમાં પણ ૬ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.