06 June, 2023 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
પૅસેન્જર વાહનો, ટૂ-વ્હીલર અને ટ્રૅક્ટર સહિતના સેગમેન્ટમાં મજબૂત માગને પગલે મે મહિનામાં ઑટોમોબાઇલ રીટેલ વેચાણમાં દસ ટકાનો વધારો થયો છે, એમ ઑટોમોબાઇલ ડીલર્સની સંસ્થા ફેડરેશન ઑફ ઑટોમોબાઇલ ડીલર્સ અસોસિએશન (ફાડા)એ જણાવ્યું હતું.
ગયા મહિને કુલ ઑટોમોબાઇલ રીટેલ વેચાણ વધીને ૨૦,૧૯,૪૧૪ યુનિટ થયું હતું જે મે ૨૦૨૨માં ૧૮,૩૩,૪૨૧ યુનિટ હતું.
મે મહિનામાં પૅસેન્જર વાહનોનું વેચાણ ચાર ટકા વધીને ૨,૯૮,૮૭૩ યુનિટ થયું હતું જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૨,૮૬,૫૨૩ યુનિટ હતું.
ફાડાના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે પેન્ડિંગ ઑર્ડર લિસ્ટ સાથે વાહનોની સુધરેલી ઉપલબ્ધતા અને નવા લૉન્ચની મજબૂત માગને કારણે સકારાત્મક વેગ મળ્યો છે, જે અગાઉના મહિનામાં મંદી પછી પૅસેન્જર વેહિકલ સેગમેન્ટને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરે છે.
ગયા મહિને ટૂ-વ્હીલરનું છૂટક વેચાણ નવ ટકા વધીને ૧૪,૯૩,૨૩૪ યુનિટ થયું હતું, જે મે ૨૦૨૨માં ૧૩,૬૫,૯૨૪ યુનિટ હતું.
કમર્શિયલ વાહનોનું છૂટક વેચાણ ગયા મહિને સાત ટકા વધીને ૭૭,૧૩૫ યુનિટ થયું હતું, જે ગયા વર્ષના મે મહિનામાં ૭૧,૯૬૪ યુનિટ હતું. થ્રી-વ્હીલરનું રીટેલ વેચાણ ૭૯ ટકા વધીને ૭૯,૪૩૩ યુનિટ થયું હતું, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૪૪૪૮૨ યુનિટ હતું.