02 February, 2023 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
આગામી માર્ચ મહિનામાં યોજાનારી સૌપ્રથમ વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ટૂંકુ નામ ડબ્લ્યુપીએલ) માટેના પ્લેયર્સ-ઑક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે એની મૅચો ક્યાં યોજવી એ માટેની યોજના પણ મોટા ભાગે તૈયાર હોવાનું મનાય છે.
ડબ્લ્યુપીએલમાં રમનાર પાંચ ટીમને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ), દિલ્હી કૅપિટલ્સ (ડીસી) તથા રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની મેન્સ ટીમના માલિકોએ ખરીદી છે. અદાણી ગ્રુપ અને કૅપ્રિ ગ્લોબલ બીજી બે ટીમની માલિક છે. એમઆઇ, ડીસી અને આરબીસીના માલિકોએ સાઉથ આફ્રિકાની એસએ૨૦ નામની લીગની તેમ જ યુએઈની આઇએલટી૨૦ ટુર્નામેન્ટની ટીમ ખરીદી છે અને આ બે સ્પર્ધાની ફાઇનલ અનુક્રમે ૧૧ તથા ૧૨ ફેબ્રુઆરીએ રમાવાની છે. આ બે વિદેશી ટુર્નામેન્ટના છેલ્લા દિવસો દરમ્યાન ફ્રૅન્ચાઇઝીના માલિકો પોતાની ટીમ સાથે રહેવાના હોવાથી ૧૨ ફેબ્રુઆરી પછી જ ભારતમાં ઉપલબ્ધ રહેશે.
આ બધું જોતાં ભારતની મહિલા આઇપીએલ (ડબ્લ્યુપીએલ) માટેની હરાજી મોટા ભાગે ૧૩ ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. બીસીસીઆઇ અંતિમ નિર્ણય આ અઠવાડિયે જાહેર કરશે.
આ પણ વાંચો : મિતાલી બની ગુજરાત જાયન્ટ્સ ટીમની મેન્ટર
ડબ્લ્યુપીએલ મોટા ભાગે મુંબઈમાં જ રમાશે. બીસીસીઆઇએ એ માટે બે સ્થળ (સીસીઆઇનું બ્રેબર્ન સ્ટેડિયમ અને નવી મુંબઈનું ડી. વાય. પાટીલ સ્ટેડિયમ) નક્કી કર્યું હોવાનું મનાય છે. ૨૬ ફેબ્રુઆરીએ સાઉથ આફ્રિકામાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ પૂરો થશે અને ડબ્લ્યુઆઇપીએલ એના અઠવાડિયા પછી (૪ માર્ચથી) શરૂ થવાની હોવાથી મહિલા ખેલાડીઓએ પ્રવાસમાં કોઈ હાડમારી સહન ન કરવી પડે એ હેતુથી ડબ્લ્યુપીએલની તમામ બાવીસ મૅચો મુંબઈ અને નવી મુંબઈમાં જ રાખવામાં આવશે.
ઝુલન ગોસ્વામી મુંબઈની મહિલા આઈપીએલ ટીમની બોલિંગ-કોચ અને મેન્ટર
મહિલાઓની વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ૨૫૫ વિકેટ લેનાર ભારતની વિમેન્સ ક્રિકેટ-લેજન્ડ ઝુલન ગોસ્વામી ડબ્લ્યુપીએલમાં મુંબઈની ટીમની બોલિંગ-કોચ અને મેન્ટર તરીકે નિયુક્ત થઈ છે. ૪૦ વર્ષની ઝુલન ગયા વર્ષે નિવૃત્ત થઈ હતી. ડબ્લ્યુપીએલની અમદાવાદની ટીમ અદાણી ગ્રુપે ખરીદી છે અને એને ગુજરાત જાયન્ટ્સ નામ આપ્યું છે. ભારતની ક્રિકેટ-લેજન્ડ અને મહિલા વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ ૭૮૦૫ રન બનાવનાર મિતાલી રાજ ગુજરાત જાયન્ટ્સ ટીમની મેન્ટર છે.