દાળ-ભાત સાથે આઈસ્ક્રીમ ખાય છે આ ખેલાડી, વિરાટ કોહલીએ ડ્રેસિંગ રૂમના કર્યા ખુલાસા

07 October, 2022 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિરાટે એક એવા ખેલાડી વિશે જણાવ્યું છે જે દાળ અને ભાત સાથે આઈસ્ક્રીમ ખાય છે. જાણો આ ખેલાડી કોણ છે.

વિરાટ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે કે ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ કેવું હોય છે અને ખેલાડીઓ કેવી હરકતો કરતા હોય છે. આવો જ એક ખુલાસો ભારતના પૂર્વ કેપ્ટન અને વર્તમાન બેટ્સમેન વિરાટ કોહલી(Virat Kohli)એ કર્યો છે. વિરાટે એક એવા ખેલાડી વિશે જણાવ્યું છે જે દાળ અને ભાત સાથે આઈસ્ક્રીમ ખાય છે.
 
T20 વર્લ્ડ કપ પહેલાવિરાટ કોહલીએ `One 8 Commune` YouTube ચેનલ પર રિદ્ધિમાન સાહા(wriddhiman saha)ની વિચિત્ર ખાવાની આદતો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું "જો મેં કોઈને જમતી વખતે અનોખું કોમ્બિનેશન અજમાવતા જોયા હોય તો તે છે રિદ્ધિમાન સાહા. મેં એકવાર તેની પ્લેટ પર ધ્યાન આપ્યું, જેમાં બટર ચિકન, રોટલી, સલાડ અને રસગુલ્લા પણ હતા."

કિંગ કોહલીએ રિદ્ધિમાન સાહા વિશે આગળ જણાવ્યું કે "મેં જોયું કે તેણે બે-ત્રણ વાર રોટલી અને સલાડ લીધા અને પછી આખો રસગુલ્લો ખાઈ ગયો. તો મેં તેને પૂછ્યું, `રિદ્ધિ તું શું કરે છે? તેણે કહ્યું કે તે સામાન્ય રીતે આમ જ ખાય છે. ઘણી વખત મેં તેને દાળ અને ભાત સાથે આઈસ્ક્રીમ ખાતા જોયો છે. તે એકસાથે બંને ખાય છે, જેમ કે બે વાર ભાત અને પછી આઈસ્ક્રીમ."

આ દરમિયાન વિરાટ કોહલીએ એ પણ જણાવ્યું કે ફુડ મામલે કયા દેશમાં ખરાબ અનુભવ રહ્યો અને કયા દેશમાં સારો અનુભવ રહ્યો. તેણે ખરાબ અનુભવ વિશે જણાવ્યું કે તે હાલમાં જ પેરિસ ગયો હતો, જ્યાં તેને ખાવાના મામલે ખરાબ અનુભવ થયો હતો. તે જ સમયે ભૂતાનમાં તેના દિવસો વિશે તેણે કહ્યું કે ત્યાં ઓર્ગેનિક શાકભાજી ખાવાનો તેમના માટે સારો અનુભવ હતો.

sports news virat kohli wriddhiman saha