અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપની સુપરસ્ટાર ત્રિશા ગોંડીને ૧ કરોડ રૂપિયાનું ઇનામ

06 February, 2025 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેલંગણના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડીએ બહુમાન કરીને આ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટને આપ્યો શિરપાવ

તેલંગણના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડી સાથે ત્રિશા ગોંગાડી.

તાજેતરમાં જ મલેશિયાના ક્વાલા લમ્પુરમાં અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનેલી ભારતીય ટીમની ઑલરાઉન્ડર ત્રિશા ગોંગાડીને તેલંગણ સરકારે ૧ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ત્રિશા ગઈ કાલે તેલંગણના ચીફ મિનિસ્ટર રેવંત રેડ્ડીને તેમના નિવાસસ્થાને મળી હતી. એ વખતે ચીફ મિનિસ્ટરે તેને શાલ ઓઢાડીને મેમેન્ટો આપ્યો હતો અને રોકડ ઇનામની જાહેરાત કરી હતી.

ભારતે સતત બીજા વર્ષે આ વર્લ્ડ કપ જીત્યો એમાં ત્રિશાનો ફાળો નોંધપાત્ર હતો. ત્રિશાએ ૭ મૅચમાં ૩૦૯ રન કરીને અને લેગ-બ્રેક બોલિંગથી ૭ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ મેળવ્યો હતો. ત્રિશાએ આખા વર્લ્ડ કપમાં સૌથી વધારે રન કરવાનો રેકૉર્ડ પણ નોંધાવ્યો હતો અને અન્ડર-19 વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારનારી તે પહેલી અને એકમાત્ર પ્લેયર બની હતી.

૨૦૨૩માં શફાલી વર્માના નેતૃત્વમાં અન્ડર-19 ભારતીય ગર્લ્સ સાઉથ આફ્રિકામાં T20 વર્લ્ડ કપ જીતી ત્યારે એ ટીમમાં પણ ત્રિશા મહત્ત્વનો હિસ્સો હતી અને ગયા વર્ષે મલેશિયામાં અન્ડર-19 વિમેન્સ એશિયા કપ જીતેલી ભારતીય ટીમનો પણ તે હિસ્સો હતી.

sports news sports indian cricket team indian womens cricket team t20 world cup telangana