બે વર્ષની હતી ત્યારથી ત્રિશાને ક્રિકેટર બનાવવાની તાલીમ શરૂ કરી દીધી હતી

06 February, 2025 11:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરીને ક્રિકેટર બનાવવાના પપ્પાના પૅશનની ગજબ દાસ્તાન

નાનપણમાં પપ્પા જી. રામી રેડ્ડી સાથે ત્રિશા.

શરૂઆતમાં તો સ્કૂલમાં જ ન મૂકી, મૂકી ત્યારે સ્કૂલ માત્ર ત્રણ કલાક મોકલીને દરરોજ ૬-૮ કલાક રમાડી, તેને સારી ક્રિકેટ ઍકૅડેમીમાં મોકલીને તેના માટે નોકરી છોડીને શહેર પણ બદલ્યું ઃ ત્રિશાના કોચ કહે છે કે તે સચિન તેન્ડુલકર જેવી જ અપવાદરૂપ ક્રિકેટર છે

તેલંગણના ભદ્રાચલમમાં ૨૦૦૫ની ૧૫ ડિસેમ્બરે જન્મેલી ૧૯ વર્ષની ત્રિશા ગોંગાડી આજે ક્રિકેટમાં જે ઊંચાઈએ પહોંચી છે એમાં તેની પ્રતિભા અને મહેનત કરતાંય દીકરીને ક્રિકેટર બનાવવાની પપ્પા જી. રામી રેડ્ડીની ઉત્કટતાનો વધુ ફાળો છે. ત્રિશા માત્ર બે વર્ષની હતી ત્યારે પપ્પા રામી રેડ્ડી તેના માટે પ્લાસ્ટિકનું બૅટ લઈ આવ્યા હતા અને તેના તરફ પ્લાસ્ટિકનો કે સૉફ્ટ ટેનિસ બૉલ સતત ફેંકતા રહેતા. પછી ત્રિશા જ્યારે ચાર વર્ષની થઈ ત્યારે પોતે જ્યાં ઇન્સ્ટ્રક્ટર હતા એ જિમમાં દીકરીને લઈ જવા લાગ્યા. રામી રેડ્ડીએ ત્યાર બાદ એક સ્થાનિક જુનિયર ગવર્નમેન્ટ કૉલેજમાં કૉન્ક્રીટની પિચ બનાવી અને નેટ‍્સ લગાડી દીધી, જ્યાં તેઓ ત્રિશાને દરરોજ કમસે કમ ૧૦૦૦ બૉલ નાખતા હતા.

સામાન્ય રીતે પ્રોફેશનલી આગળ વધવા માગતાં છોકરાઓ અને છોકરીઓ ૮ વર્ષની આસપાસ રમવાનું શરૂ કરતાં હોય છે, પણ રામી રેડ્ડીનું માનવું છે કે એ ઉંમરે કૉમ્પિટિશન ખૂબ હોય છે એટલે તેમણે દીકરીને બે વર્ષની ઉંમરથી જ ક્રિકેટર બનાવવાની શરૂઆત કરી દીધી હતી. રામી રેડ્ડી પોતે હૉકી પ્લેયર રહી ચૂક્યા છે અને હૈદરાબાદ માટે અન્ડર-16 લેવલ પર રમી ચૂક્યા છે. જોકે હૈદરાબાદથી તેઓ ભદ્રાચલમ શિફ્ટ થયા એ પછી તેમણે દેશ માટે હૉકી રમવાનું સપનું ત્યજી દેવું પડ્યું. ભદ્રાચલમમાં ક્રિકેટ માટેની સુવિધાઓ બહુ સામાન્ય હતી એટલે તેમણે એ સુનિશ્ચિત કર્યું કે ત્રિશાનું શરીર એક સ્પોર્ટ‍્સપર્સન જેવું ખડતલ હોય. રામી રેડ્ડી કહે છે કે મેં બધું સાયન્ટિફિકલી કર્યું, તેની ટ્રેઇનિંગ વહેલી શરૂ કરી અને એ વાતનું ધ્યાન રાખ્યું કે તેના જૉઇન્ટ‍્સ પર વધુ ભાર ન આવે. ત્રિશાએ નાની ઉંમરથી જ રમવાનું શરૂ કર્યું હતું એટલે તેને પ્રોટીન કેટલું આપવું, અન્ય પોષક તત્ત્વો કેટલાં આપવા એ બધાનું પણ રામી રેડ્ડીએ ધ્યાન રાખ્યું.

ત્રિશાને ક્રિકેટર બનાવવાનું રામી રેડ્ડી પર એવું પૅશન સવાર હતું કે તેમણે શરૂઆતમાં થોડા સમય સુધી તેને સ્કૂલ મોકલી જ નહીં, ઘરે જ પ્રાઇવેટ ટ્યુશનની ગોઠવણ કરી. રામી રેડ્ડીને હતું કે તે ફુલ ટાઇમ સ્કૂલ જશે તો થાકી જશે. પછી જ્યારે ત્રિશાને સ્કૂલમાં મૂકી ત્યારે પણ તે ત્રણ જ કલાક જતી હતી અને દિવસમાં છથી ૮ કલાક ક્રિકેટ માટે આપતી હતી. રામી રેડ્ડીને લાગે છે કે તે સામાન્ય સ્કૂલિંગ સિસ્ટમમાં હોત તો દેશ માટે ક્યારેય રમી જ ન શકી હોત.

ત્રિશા જ્યારે ૧૧ વર્ષની હતી ત્યારે પપ્પાએ તેને હૈદરાબાદની વિખ્યાત સેન્ટ જૉન્સ ક્રિકેટ ઍકૅડેમીમાં દાખલ કરી. ત્રિશાનાં નાના-નાની હૈદરાબાદમાં રહેતાં હતાં એટલે તેને તેમની સાથે રહેવા મોકલી દીધી. થોડા સમય પછી રામી રેડ્ડી પોતે પણ નોકરી છોડીને હૈદરાબાદ શિફ્ટ થઈ ગયા, કારણ કે ત્રિશાને ક્રિકેટ ઍકૅડેમીમાં
મૂકવા-લેવામાં નાનાને તકલીફ પડતી હતી.

વીવીએસ લક્ષ્મણ અને મિતાલી રાજ જેવાં ક્રિકેટરો આપનારી હૈદરાબાદની સેન્ટ જૉન્સ ક્રિકેટ ઍકૅડેમીના મુખ્ય કોચ જૉન મનોજ ત્રિશાનું હૅન્ડ-આઇ કૉર્ડિનેશન જોઈને છક થઈ ગયા હતા. તે એટલી સારી હતી કે ૮ વર્ષની ઉંમરે અન્ડર-16 ટીમમાં હતી, ૧૧ વર્ષની ઉંમરે અન્ડર-19 ટીમમાં રમી, ૧૨ વર્ષની ઉંમરે અન્ડર-૨૩ ટીમમાં રમી અને ૧૩ વર્ષની ઉંમરે તો સિનિયર ટીમમાં રમવા લાગી. ત્રિશાના કોચ જૉન મનોજ કહે છે, ‘સચિન તેન્ડુલકર માત્ર ૧૬ વર્ષની ઉંમરે દેશ માટે શા માટે રમી શક્યો? કારણ કે તે અપવાદરૂપ ક્રિકેટર હતો, અને આ છોકરી પણ અપવાદરૂપ છે.’

વિમેન્સ પ્રીમિયર લીગની હરાજીમાં અનસોલ્ડ રહી હતી ત્રિશા

૧૪ ફેબ્રુઆરીથી શરૂ થતી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મુંબઈ, ગુજરાત, દિલ્હી, બૅન્ગલોર અને લખનઉની પાંચેપાંચ ટીમ આજે એ વાતનો અફસોસ કરતી હશે કે કાશ, ત્રિશા ગોંગાડી અમારી ટીમમાં હોત. ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરે બૅન્ગલોરમાં WPLનું ઑક્શન થયું ત્યારે ત્રિશાને લેવામાં એકેય ટીમે રસ નહોતો દાખવ્યો. એ ઑક્શન માટે ત્રિશાએ પોતાની બેઝ-પ્રાઇસ માત્ર ૧૦ લાખ રૂપિયા રાખી હતી.

sports news sports indian cricket team cricket news womens world cup womens premier league