ઇન્દોરની પિચ તૈયાર કરવામાં થઈ હતી ગરબડ : માર્ક ટેલર

05 March, 2023 06:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટનના મતે બોર્ડર ગાવસકર ટ્રોફીની ત્રણેય ટેસ્ટની પિચ ખરાબ હતી

ઇન્દોરની પિચ તૈયાર કરવામાં થઈ હતી ગરબડ : માર્ક ટેલર

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માર્ક ટેલરે હાલમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઉપયોગમાં લેવાયેલી પિચની ભારે ટીકા કરી છે. તેણે આરોપ મૂક્યો છે કે આ પિચને તૈયાર કરવામાં અમુક હદ સુધી ગરબડ કરવામાં આવી છે. હજી અમદાવાદમાં મૅચ રમાવાની બાકી છે. ભારત આ સિરીઝમાં હાલમાં ૨-૧થી આગળ છે. નાગપુર અને દિલ્હીની પિચોને આઇસીસી દ્વારા ઍવરેજ રેટિંગ આપવામાં આવ્યું હતું, તો ઇન્દોર ટેસ્ટની પિચને મૅચ રેફરી ક્રિસ બ્રૉડે નબળી ગણાવી હતી. ઇન્દોર ટેસ્ટમાં ભારતીય બૅટર્સનો ધબડકો વળતાં મૅચ ઑસ્ટ્રેલિયા જીતી ગયું હતું. છેલ્લા દાયકામાં ઘરઆંગણે રમાયેલી ૪૫ મૅચમાં ભારતની આ ત્રીજી હાર હતી. ટેલરે કહ્યું કે ઇન્દોર પિચના મામલે આઇસીસીનું રેટિંગ યોગ્ય હતું. મારા મતે સમગ્ર સિરીઝમાં પિચ નબળી રહી છે, પરંતુ ઇન્દોરની તો સૌથી ખરાબ હતી. ચોથા કે પાંચમા દિવસે પિચ બોલરને મદદગાર સાબિત થાય, પહેલા દિવસથી નહીં. આ વસ્તુ તમારી તૈયારીમાં ખામી દર્શાવે છે. 
ટેલરે ગાબાની પિચ વિશે કહ્યું કે બ્રિસ્બેનની પિચ બન્ને પક્ષ માટે એકસરખી વર્તી હતી, પરંતુ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની પિચને ખાસ કરીને સ્પિનરો માટે જ તૈયાર કરવામાં આવી હતી. ગૅબાની પિચ તૈયાર કરવામાં કોઈ ગરબડ કરવામાં નહોતી આવી, પરંતુ ઇન્દોરના મામલે આવું કહી શકાય નહીં. પિચ એટલી ખરાબ રીતે તૈયાર કરવામાં આવી હતી કે રમત જ સરખી ન રમાઈ. એક લૉટરી જેવી વાત હતી, જે ભારતની તરફેણમાં ન ખૂલી.

sports news sports cricket news australia