midday

આજે ન્યુ યૉર્કમાં મિની ઇન્ડિયા v/s ઇન્ડિયાની ટક્કર

12 June, 2024 07:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત કે અમેરિકા, ગ્રુપ Aમાં ટેબલ ટૉપર બનીને કોણ પહેલાં પહોંચશે સુપર-એઇટ રાઉન્ડમાં?
રોહિત શર્મા

રોહિત શર્મા

આજે ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં ભારતીય ટીમ પોતાની ત્રીજી ગ્રુપ સ્ટેજ મૅચ કો-હોસ્ટ અમેરિકન ટીમ સામે રમશે. પોતાની પ્રથમ બે મૅચ રોમાંચક અંદાજમાં જીતીને આવનાર બન્ને ટીમ આજની મૅચ જીતીને સુપર-એઇટમાં પહોંચવાના ટાર્ગેટ સાથે ઊતરશે. બન્ને ટીમ ૪ પૉઇન્ટ સાથે હાલમાં ગ્રુપ Aમાં પહેલા-બીજા સ્થાને છે. આજે ન્યુ યૉર્કના મેદાન પર ‘મિની ઇન્ડિયા’ વર્સસ ‘ઇન્ડિયા’ની ટક્કર જોવા મળશે, કારણ કે અમેરિકન સ્ક્વૉડમાં કૅપ્ટન મોનાંક પટેલ સહિત ૮ ખેલાડીઓ ભારતીય મૂળના છે, જેમાં મુંબઈકર હરમીત સિંહ અને સૌરભ નેત્રાવળકર પણ સામેલ છે.

આયરલૅન્ડ અને પાકિસ્તાન સામે એકસરખી પ્લેઇંગ ઇલેવન સાથે ઊતરનાર કૅપ્ટન રોહિત શર્મા સુપર-એઇટ રાઉન્ડ પહેલાં પોતાના અન્ય વિકલ્પો પર નજર નાખી શકે છે. સંજુ સૅમસન, યશસ્વી જાયસવાલ, યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ આજે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થવાની આશા રાખશે. વિરાટ કોહલી સહિત ભારતીય બૅટિંગ યુનિટ ફરી ટ્રૅક પર આવવાનો ભરપૂર પ્રયાસ કરશે, જ્યારે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા સહિતનો બોલિંગ યુનિટ પોતાનો બેસ્ટ પર્ફોર્મન્સ આપી રહ્યો છે.

સાંજે ૮ વાગ્યે શરૂ થનારી આ મૅચ ભારતીય ટીમની ન્યુ યૉર્કના સ્ટેડિયમમાં આ અંતિમ મૅચ છે. ૧૫ જૂને રોહિતસેના ફ્લૉરિડામાં કૅનેડા સામે રમશે. ત્યાર બાદ સુપર-એઇટ અને સેમી ફાઇનલ, ફાઇનલ સહિતની મૅચ વેસ્ટ ઇન્ડીઝમાં રમાશે. આજે ભારત અને અમેરિકામાંથી જે પણ ટીમ જીતશે એ સતત ત્રીજી જીત સાથે સુપર-એઇટમાં પહોંચશે. ક્રિકેટના મેદાન પર અમેરિકા અને ભારતની આ ઇતિહાસની પ્રથમ ટક્કર બની રહેશે.

અમેરિકન સ્ક્વૉડના બે મુંબઈકર સહિત ૮ ખેલાડી ભારતીય મૂળના 
મોનાંક પટેલ (કૅપ્ટન) - આણંદ (ભારત)
ઍરોન જોન્સ - અમેરિકા
ઍન્ડ્રીસ ગૌસ - સાઉથ આફ્રિકા
કોરી ઍન્ડરસન – ન્યુ ઝીલૅન્ડ
અલી ખાન - પાકિસ્તાન
હરમીત સિંહ - મુંબઈ (ભારત)
જસદીપ સિંહ - અમેરિકા (ભારતીય મૂળ) 
મિલિંદ કુમાર - દિલ્હી (ભારત)
નિસર્ગ પટેલ - અમદાવાદ (ભારત)
નીતીશકુમાર - કૅનેડા (ભારતીય મૂળ)
નોશાતુશ કેંજીગે - અમેરિકા (ભારતીય મૂળ)
સૌરભ નેત્રાવળકર - મુંબઈ (ભારત)
શેડલી વૅન શાલ્કવીક - ઇંગ્લૅન્ડ
સ્ટીવન ટેલર - અમેરિકા
શયાન જહાંગીર – પાકિસ્તાન

sports news sports cricket news t20 world cup indian cricket team