12 October, 2026 07:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનૅશનલ ડે ઑફ ધ ગર્લ ચાઇલ્ડ પર સ્મૃતિ માન્ધના UNICEF ઇન્ડિયાની સેલિબ્રિટી ઍડ્વોકેટ બની
યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ઇન્ડિયાએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની સેલિબ્રિટી ઍડ્વોકેટ તરીકે નિમણૂક કરી છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય કિશોરીઓ માટે સમાન તકો, સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરવાનો છે.
આ જાહેરાત ગઈ કાલે ઇન્ટરનૅશનલ ડે ઑફ ધ ગર્લ ચાઇલ્ડ નિમિત્તે કરવામાં આવી હતી. આ દિવસ બાળકીઓના અધિકારો, સુરક્ષા, નેતૃત્વ અને ક્ષમતા તરફ ધ્યાન દોરે છે અને સાથે જ તેમના વિકલ્પોને મર્યાદિત કરતા અવરોધોને પણ ઉજાગર કરે છે.
સ્મૃતિ માન્ધનાએ કહ્યું, ‘યુનિસેફ ઇન્ડિયા સાથે સેલિબ્રિટી ઍડ્વોકેટ તરીકે જોડાવું એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. ક્રિકેટ રમતાં મોટા થતાં મેં શીખ્યું છે કે દરેક સ્વપ્નની શરૂઆત એક તકથી થાય છે. સખત મહેનત, દૃઢ નિશ્ચય અને પ્રોત્સાહન સાથે એ તક કંઈક અસાધારણ બાબતમાં પરિવર્તિત થઈ શકે છે. દરેક બાળક અને યુવાન મોટાં સપનાં જોવાની અને પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની તક મેળવવાને પાત્ર છે.’