29 April, 2026 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પ્રૅક્ટિસ કરતા પૅટ કમિન્સ અને સૂર્યકુમાર યાદવ
IPL 2026ની ૪૧મી મૅચ આજે પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. સતત પાંચ મૅચ જીતીને આવેલી સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુંબઈ ઇન્ડિયન્સ ફરી ફસડાઈ પડશે કે શાનદાર કમબૅક કરશે એના પર સૌની નજર રહેશે. ૨૩ એપ્રિલે ચેન્નઈ સામે વાનખેડે સ્ટેડિયમમાં જ ૧૦૩ રનની સૌથી મોટી હાર મેળવનાર મુંબઈ હાલમાં સાતમાંથી માત્ર બે જીત સાથે નવમા ક્રમે છે.
કૅપ્ટન પૅટ કમિન્સની ટીમ છેલ્લે રાજસ્થાન સામે ૨૨૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને જયપુરથી હવે મુંબઈ રમવા આવી છે. ટીમનું બૅટિંગ અને બોલિંગ યુનિટ હાલમાં એકસાથે શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. હૈદરાબાદની ટીમ હાલમાં ટૉપ-ફોર ટીમોમાંથી એક છે.
આ હરીફ ટીમ સામે છેલ્લી ૧૦ મૅચમાંથી સાત મૅચ જીતી હોવાથી મુંબઈની ટીમને થોડો આત્મવિશ્વાસ મળશે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીતનાર હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને જસપ્રીત બુમરાહની હાજરી છતાં મુંબઈની ટીમ સતત સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે. અનુભવી પ્લેયર રોહિત શર્મા આટલા મોટા બ્રેક બાદ વાપસી કરશે એવી આશા ક્રિકેટ ફૅન્સ રાખી રહ્યા છે.
વાનખેડે સ્ટેડિયમમાં હૈદરાબાદની ટીમ ૧૪ મૅચમાંથી માત્ર બે મૅચ જીતી છે અને ૧૨ મૅચમાં એને હાર મળી છે. હૈદરાબાદની એ બે જીત ૨૦૧૮ અને ૨૦૨૨માં હોમ-ટીમ મુંબઈ સામે જ આવી હતી. મુંબઈ પોતાના હોમગ્રાઉન્ડ પર ૯૬ મૅચમાંથી ૫૮ મૅચ જીત્યું છે અને ૩૮ મૅચમાં હાર્યું છે. વર્તમાન સીઝનમાં મુંબઈ અહીં ચાર મૅચમાંથી છેલ્લી ત્રણ મૅચ બૅન્ગલોર, પંજાબ અને ચેન્નઈ સામે સતત હાર્યું છે. એકમાત્ર જીત પહેલી મૅચમાં કલકત્તા સામે મળી હતી.
|
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
મૅચ |
૨૫ |
|
મુંબઈની જીત |
૧૫ |
|
હૈદરાબાદની જીત |
૧૦ |