ઓપનિંગ પોઝિશન બની પાકિસ્તાની ટીમ માટે ચિંતાનો વિષય, બાબર આઝમ પણ રહ્યો ફ્લૉપ

16 February, 2025 09:46 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

હાફિઝે સૂચવેલા આ ત્રણેય પ્લેયર્સને ચૅમ્પિયન્સ ટ્રોફી સ્ક્વૉડમાં સ્થાન મળ્યું નથી. જોકે ટૉપ ઑર્ડર બૅટર તરીકે શાનદાર રેકૉર્ડ ધરાવતા આ પ્લેયર્સનાં નામ પર વિચાર કરી શકાય એમ છે.

મોહમ્મદ હાફિઝ, બાબર આઝમ

ત્રિકોણીય વન-ડે સિરીઝમાં પાકિસ્તાન માટે ઓપનિંગ કરનાર બાબર આઝમ નિષ્ફળ રહ્યો હતો. ત્રણ મૅચમાં તેણે ૬૨ રન બનાવ્યા છે, જ્યારે આ ફૉર્મેટમાં પાંચ મૅચમાં ઓપનિંગમાં આવીને તેણે ૧૭.૬૦ની ઍવરેજથી ૮૮ રન જ બનાવ્યા છે. અન્ય ઓપનર ફખર ઝમાને આ સિરીઝની ત્રણ મૅચમાં ૧૩૫ રન ફટકાર્યા હતા. બન્ને વચ્ચે અનુક્રમે બાવન, ૫૭ અને ૧૬ રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૮ વર્ષ સુધી રમનાર ભૂતપૂર્વ પાકિસ્તાની ઑલરાઉન્ડર મોહમ્મદ હાફિઝે મહત્ત્વની સલાહ આપતાં સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ‘શાન મસૂદ, ઇમામ-ઉલ-હક, અબદુલ્લા શફીકમાંથી કોઈને પણ ઓપનર તરીકે રમવા દો અને બાબર આઝમને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નંબર ૩ પર રમવા દો.’

હાફિઝે સૂચવેલા આ ત્રણેય પ્લેયર્સને ચૅમ્પિયન્સ ટ્રોફી સ્ક્વૉડમાં સ્થાન મળ્યું નથી. જોકે ટૉપ ઑર્ડર બૅટર તરીકે શાનદાર રેકૉર્ડ ધરાવતા આ પ્લેયર્સનાં નામ પર વિચાર કરી શકાય એમ છે.

પાકિસ્તાની કૅપ્ટન મોહમ્મદ રિઝવાને પણ ત્રિકોણીય સિરીઝ હાર્યા બાદ કહ્યું કે ‘સૈમ અયુબની ગેરહાજરીએ મોટી સમસ્યા સર્જી છે અને અમે બાબર આઝમને ઓપનિંગ માટે ઉતાર્યો, કારણ કે તે અમારો શ્રેષ્ઠ બૅટ્સમૅન છે.’

યંગ ઓપનર સૈમ અયુબને સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-મૅચ રમતા સમયે પગમાં ઇન્જરી થઈ હતી. ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પહેલાં તે શાનદાર ફૉર્મમાં હતો અને રેકૉર્ડબ્રેક ઇનિંગ્સ રમી રહ્યો હતો.

babar azam pakistan champions trophy international cricket council cricket news sports news sports