12 January, 2025 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બરોડા સામે ૯૯ બૉલમાં ૧૦૨ રન ફટકારી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો કર્ણાટકનો દેવદત્ત પડિક્કલ
ભારતના વન-ડે ફૉર્મેટની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકે ક્વૉર્ટર ફાઇનલમાં જીત મેળવીને સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. ગઈ કાલે બે સેમી ફાઇનલ ટીમ નક્કી થઈ છે અને આજે અંતિમ બે ક્વૉર્ટર ફાઇનલ મૅચથી બીજી બે સેમી ફાઇનલિસ્ટ ટીમ નક્કી થશે.
અર્શદીપ સિંહના ઑલરાઉન્ડ પ્રદર્શન છતાં પંજાબ હાર્યું
ઋતુરાજ ગાયકવાડની મહારાષ્ટ્ર ટીમે ૭૦ રને અભિષેક શર્માની પંજાબ ટીમને હરાવી હતી. મહારાષ્ટ્રના યુવા ઓપનર અર્શિન કુલકર્ણીએ ૧૩૭ બૉલમાં ૧૪ ચોગ્ગાની મદદથી ૧૦૭ રન બનાવ્યા હતા. પંજાબ માટે બોલિંગમાં ત્રણ વિકેટ લેનાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે બૅટિંગ સમયે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી સૌથી વધુ ૪૯ રન ફટકાર્યા હતા, પરંતુ મહારાષ્ટ્રના બોલર મુકેશ ચૌધરી (ત્રણ વિકેટ)ની ધારદાર બોલિંગને કારણે ૨૭૬ રનના ટાર્ગેટ સામે પંજાબ ૪૪.૪ ઓવરમાં ૨૦૫ રનમાં સમેટાઈ ગયું હતું.
BGTમાં ફ્લૉપ રહેલા દેવદત્ત પડિક્કલે ફટકારી સેન્ચુરી
બૉર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી મૅચમાં માત્ર પચીસ રન બનાવ્યા બાદ યુવા બૅટર દેવદત્ત પડિક્કલને રમવાની તક મળી નહોતી. ગઈ કાલે વિજય હઝારે ટ્રોફીમાં એન્ટ્રી મારતાં જ તેણે સેન્ચુરી ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા. તેની ૯૯ બૉલમાં ૧૦૨ રનની ઇનિંગ્સને કારણે કર્ણાટકની ટીમે ૮ વિકેટે ૨૮૧ રન ફટકાર્યા હતા. બરોડાએ ઓપનર શાશ્વત રાવત (૧૦૪ રન)ની ઇનિંગ્સની મદદથી જબરદસ્ત ટક્કર આપી હતી, પણ ૪૯.૫ ઓવરમાં ૨૭૬ રનમાં ટીમ ઑલઆઉટ થઈ હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કિષ્ના અને શ્રેયસ ગોપાલ સહિતના ચાર બોલરે બે-બે વિકેટ લઈને કર્ણાટકને રોમાંચક જીત અપાવી હતી.
આજની ક્વૉર્ટર ફાઇનલ મૅચ
ગુજરાત vs હરિયાણા
વિદર્ભ vs રાજસ્થાન
(વડોદરામાં સવારે નવ વાગ્યાથી રમાશે)