મોટા ભાઈ યુસુફની લાજવાબ ઇનિંગ્સ છતાં ઇરફાન પઠાણની ટીમ ફાઇનલમાં હારી ગઈ

18 October, 2024 09:38 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

શ્રીનગરમાં બુધવારે લેજન્ડ્સ લીગ ૨૦૨૪ની રમાયેલી રોમાંચક ફાઇનલમાં ઇરફાન પઠાણના નેતૃત્વવાળી કોનાર્ક સૂર્યાસ ઓડિશા ટીમને દિનેશ કાર્તિકની સધર્ન સુપરસ્ટાર્સ સુપર ઓવરમાં હરાવીને ચૅમ્પિયન બની છે.

યુસુફ પઠાણ

શ્રીનગરમાં બુધવારે લેજન્ડ્સ લીગ ૨૦૨૪ની રમાયેલી રોમાંચક ફાઇનલમાં ઇરફાન પઠાણના નેતૃત્વવાળી કોનાર્ક સૂર્યાસ ઓડિશા ટીમને દિનેશ કાર્તિકની સધર્ન સુપરસ્ટાર્સ સુપર ઓવરમાં હરાવીને ચૅમ્પિયન બની છે. પહેલા બૅટિંગ કરતાં સધર્ન સુપરસ્ટાર્સે ૨૦ ઓવરમાં હૅમિલ્ટન મસાકાડ્ઝાના ૫૮ બૉલમાં પાંચ સિક્સર અને ૮ ફોરની મદદથી બનાવેલા ૮૩ રનના જોરે ૬ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. જવાબમાં ઇરફાનની ઓડિશા ટીમે એક સમયે ૯.૩ ઓવરમાં ૬૧ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ યુસુફ પઠાણે ૩૮ બૉલમાં આઠ સિક્સર અને ૬ ફોર સાથે ૮૫ રન ફટકારીને ટીમને જીતના દ્વાર સુધી લઈ ગયો હતો. ૧૮મી ઓવરને અંતે ઓડિશાનો સ્કોર ૮ વિકેટે ૧૩૦ હતો અને તેમને જીત માટે ૧૨ બૉલમાં ૩૫ રનની જરૂરત હતી. ૧૯મી ઓવરમાં યુસુફ પઠાણે ચાર સિક્સર અને એક ફોર સાથે ૨૮ રન ફટકારતાં હવે ટીમને છેલ્લી ઓવરમાં માત્ર સાત રનની જરૂરત હતી, પણ પવન નેગીની એ ઓવરમાં માત્ર છ રન બની શક્યા હતા અને મૅચ ટાઇ થઈ હતી. 

સુપર ઓવરમાં ઓડિશા ટીમ ૧૩ રન બનાવી શકી હતી અને સધર્ન સુપરસ્ટાર્સના માર્ટિન ગપ્ટિલે બે સિક્સર ફટકારીને ટીમને ચૅમ્પિયન બનાવી દીધી હતી. મસાકાડ્ઝા પ્લેયર ઑફ ધ ફાઇનલ અને ગપ્ટિલ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર થયો હતો. 

irfan pathan yusuf pathan srinagar jammu and kashmir cricket news sports news sports