ઈરાની કપ જીતવા માટે આજે વિદર્ભને ૮ વિકેટ અને રેસ્ટ ઑફ ઇન્ડિયાને ૩૩૧ રનની જરૂર

05 October, 2025 10:11 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

નાગપુરમાં આયોજિત ઈરાની કપની મૅચનો આજે નિર્ણાયક દિવસ છે

પ્રતીકાત્મક તસવીર

નાગપુરમાં આયોજિત ઈરાની કપની મૅચનો આજે નિર્ણાયક દિવસ છે. આજે જીત માટે રણજી ચૅમ્પિયન વિદર્ભને ૮ વિકેટ અને રજત પાટીદારની ટીમ રેસ્ટ ઑફ ઇન્ડિયાને ૩૩૧ રનની જરૂર છે. પહેલી ઇનિંગ્સના ૩૪૨ અને બીજી ઇનિંગ્સના ૨૩૨ રનની મદદથી વિદર્ભે ૩૬૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૧૪ રન કરનાર રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમ ચોથા દિવસના અંતે ૧૨ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૩૦ રન જ કરી શકી હતી.

ચોથા દિવસે ૩૭મી ઓવરમાં ૯૬/૨ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરનાર વિદર્ભે કૅપ્ટન અક્ષય વાડકરના ૧૨૫ બૉલમાં ૩૬ રન સહિતની કેટલીક ધીમી ઇનિંગ્સની મદદથી ૯૪.૧ ઓવરમાં બીજા દાવનો સ્કોર ૨૩૨ રન કર્યો હતો. રેસ્ટ ઑફ ઇન્ડિયાનો ફાસ્ટ બોલર અંશુલ કમ્બોજ ૩૪ રનમાં ચાર વિકેટ લઈને સૌથી સફળ સાબિત થયો હતો. દિવસના અંતે રેસ્ટ ઑફ ઇન્ડિયા માટે ઈશાન કિશન ૧૮ બૉલમાં પાંચ રન અને કૅપ્ટન રજત પાટીદાર ૨૨ બૉલમાં બે રન કરીને ક્રીઝ પર નૉટઆઉટ રહ્યા હતા.

irani cup cricket news sports sports news