21 March, 2026 05:44 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
IPL 2026 માટે ઉત્સાહિત ટીમો માટે પ્લેયર્સની ઇન્જરી માથાનો દુખાવો બન્યો છે. ઇન્જર્ડ પ્લેયર્સના લિસ્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ઑસ્ટ્રેલિયન પેસ બોલર જૅક એડવર્ડ્સ પણ સામેલ થયો છે. આ સીઝનના ઑક્શનમાં ખરીદવામાં આવેલો તે એકમાત્ર અનકૅપ્ડ વિદેશી ખેલાડી હતો. ૩ કરોડ રૂપિયાનો આ પચીસ વર્ષનો પ્લેયર IPL ડેબ્યુ કરવાનો હતો. જોકે અહેવાલ અનુસાર તે હૈદરાબાદ માટે પગની ઇન્જરીને કારણે રમી શકશે નહીં.
મુંબઈ ઇન્ડિયન્સનો અથર્વ અંકોલેકર ઘૂંટણની ઇન્જરી, સનરાઇઝર્સ હૈદરાબાદનો ઈશાન મલિંગા ખભાની ઇન્જરી અને ચેન્નઈ સુપર કિંગ્સનો મૅથ્યુ શૉર્ટ અંગૂઠાના ફ્રૅક્ચરથી પીડાઈ રહ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સનો નૅથન એલિસ હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે હાલમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
લખનઉ સુપર જાયન્ટ્સનો સ્પિનર વાનિન્દુ હસરંગા હૅમસ્ટ્રિંગ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો મથીશા પથિરાના પગની ઇન્જરીને કારણે હજી ભારત આવ્યા નથી. અહેવાલો અનુસાર શ્રીલંકા ક્રિકેટ બોર્ડ IPLમાં ભાગ લેનાર પોતાના ખેલાડીઓની ફિટનેસ-ટેસ્ટ લઈને આવતા અઠવાડિયા સુધીમાં નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપશે.
દિલ્હી કૅપિટલ્સનો પેસ બોલર મિચલ સ્ટાર્ક વર્ક લોડ મૅનેજમેન્ટ અને પંજાબ કિંગ્સનો લૉકી ફર્ગ્યુસન પરિવાર સાથે રજા માણવાનો હોવાથી IPLની શરૂઆતની મૅચોમાં ગેરહાજર રહેશે એવા અહેવાલ છે. કોલકાતા નાઇટ રાઇડર્સનો હર્ષિત રાણા ઘૂંટણની ઇન્જરી બાદની સર્જરી, હૈદરાબાદનો કૅપ્ટન પૅટ કમિન્સ પીઠની ઇન્જરી, રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુનો જૉશ હેઝલવુડ પગની ઇન્જરીને કારણે પહેલાંથી જ ટુર્નામેન્ટ રમવા માટે શંકા હેઠળ છે.