03 December, 2024 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશાન કિશન અને હાર્દિક પંડ્યા
મુંબઈ ઇન્ડિયન્સે હાલમાં કૅપ્ટન હાર્દિક પંડ્યાનો ૬૦ સેકન્ડનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેણે ઈશાન કિશનને ફેરવેલ મેસેજ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ઈશાન અમારી ટીમની તાજગી અને ઊર્જા હતો. જ્યારે અમે તેને રીટેન ન કરી શક્યા ત્યારે અમે હંમેશાં જાણતા હતા કે તેને મેગા ઑક્શનમાં પાછો મેળવવો મુશ્કેલ હશે, કારણ કે અમે જાણતા હતા કે તે કયા પ્રકારનો પ્લેયર છે અને તેની પાસે કેવા પ્રકારની કુશળતા છે. તે હંમેશાં ડ્રેસિંગરૂમને જીવંત રાખતો હતો. તે ઘણા લોકોને હસાવતો હતો. આ પ્રેમ અને હૂંફ તેના માટે ખૂબ જ સ્વાભાવિક છે. અમે તેને મિસ કરીશું. ઈશાન કિશન, તું મુંબઈ ઇન્ડિયન્સનો પૉકેટ ડાયનૅમો હતો અને અમે બધા તને યાદ કરીશું. અમે બધા તને પ્રેમ કરીએ છીએ.’
IPL મેગા ઑક્શનમાં બે કરોડ રૂપિયાની બેઝ-પ્રાઇસવાળા ઈશાન કિશનને સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૧.૨૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે ૩.૨૦ કરોડ રૂપિયા સુધી જ ઈશાન કિશન પર બોલી લગાવી હતી. ઈશાન કિશન ૨૦૧૮થી મુંબઈ સાથે ૭ IPL સીઝન રમ્યો છે.
મેગા ઑક્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે ૨૩ સભ્યોની સ્ક્વૉડ બનાવી છે જેમાં ૭ બૅટર, ૬ ઑલરાઉન્ડર અને ૧૦ બોલર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યાના મતે મુંબઈની ફ્રૅન્ચાઇઝીને પ્લેયર્સનું યોગ્ય કૉમ્બિનેશન મળ્યું છે.