13 February, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગ્લેન મૅક્સવેલ
ટી૨૦ ક્રિકેટમાં પાંચમી સદી ફટકારીને રોહિત શર્માની બરાબરી કરનાર ઑસ્ટ્રેલિયાના વિસ્ફોટક ક્રિકેટર ગ્લેન મૅક્સવેલ ફરી ચર્ચામાં છે. ગ્લેન મૅક્સવેલ થોડા દિવસ પહેલાં સાથી-ક્રિકેટર બ્રેટ લીના રૉક બૅન્ડ ‘સિક્સ ઍન્ડ આઉટ’નો શો જોવા ઍડીલેડ ગયો હતો. ત્યાર બાદ તેણે પબમાં જોરદાર પાર્ટી કરી હતી એને કારણે તેની તબિયત લથડી હતી અને ઍમ્બ્યુલન્સ બોલાવીને મૅક્સવેલને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેને ટૂંક સમયમાં હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઑસ્ટ્રેલિયન ક્રિકેટર પૅટ કમિન્સ સહિત ક્રિકેટચાહકોએ મૅક્સવેલની આ હરકતની ટીકા કરી હતી.
આ ઘટનાથી મારા પરિવારને વધુ અસર પહોંચી હતી
આ ઘટના વિશે વાત કરતાં મૅક્સવેલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મને લાગે છે કે આ ઘટના બાદ મારા પરિવારને થોડી વધુ અસર પહોંચી હતી. હું જાણતો હતો કે એ સમયે મારી રજા હતી એટલે મેં પબમાં પાર્ટી કરી હતી. દારૂના ઓવરડોઝને કારણે મારી તબિયત બગડી હતી. જોકે હું હવે મારા જિમમાં પાછો ફર્યો છું. મેં મેદાન પર આવ્યા બાદ ખરેખર તાજગીનો અનુભવ કર્યો છે. મારું ધ્યાન હવે ટી૨૦ સિરીઝ પર છે.’
વિન્ડીઝ સામે ૫૦ બૉલમાં ફટકારી હતી સદી
ગ્લેન મૅક્સવેલે વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટી૨૦માં માત્ર ૨૫ બૉલમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. ત્યાર બાદ તેણે બીજા ૨૫ બૉલમાં બીજા ૫૦ રન કરીને સેન્ચુરી પૂરી કરી હતી, એટલે કે કુલ ૫૦ બૉલનો સામનો કરીને ગ્લેન મૅક્સવેલે ૯ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ટી૨૦ ઇન્ટરનૅશનલમાં તેની પાંચમી સદી ફટકારી હતી. આ રીતે તેણે ટી૨૦માં પાંચ સદીના રોહિત શર્માના રેકૉર્ડની બરાબરી કરી હતી.