શેફાલી વર્માની ટીમનો આજે ભારતીય મૂળની યુએઈની ખેલાડીઓ સાથે જંગ

16 January, 2023 02:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને સતત બીજો વિજય મેળવવાનો ચાન્સ

શેફાલી વર્માની ટીમનો આજે ભારતીય મૂળની યુએઈની ખેલાડીઓ સાથે જંગ

પહેલી જ વાર રમાઈ રહેલા ગર્લ્સ અન્ડર-19  ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતે શનિવારે સાઉથ આફ્રિકાને ૭ વિકેટે હરાવ્યું ત્યાર પછી હવે આજે ભારતીય ટીમનો યુએઈ સામે મુકાબલો છે. યજમાન સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય ટીમ જોશમાં જરૂર છે, પરંતુ યુએઈએ એ જ દિવસે સ્કૉટલૅન્ડને આસાનીથી હરાવ્યું હોવાથી એ ટીમ પણ જુસ્સેદાર છે એટલે શેફાલી વર્મા ઍન્ડ કંપનીએ આજે ચેતવું પડશે.

યુએઈની સ્કૉટલૅન્ડ સામે આસાન જીત

સ્કૉટલૅન્ડ (૨૦ ઓવરમાં ૯૯/૯) સામે યુએઈ (૧૬.૨ ઓવરમાં ૧૦૦/૪)નો ૬ વિકેટે વિજય થયો હતો. યુએઈની ટીમમાં મોટા ભાગની ખેલાડીઓ ભારતીય મૂળની છે અને સ્કૉટલૅન્ડને હરાવવામાં યોગદાન આપીને હવે ભારતને પણ હરાવવાના મૂડમાં છે. થીર્થ સતીશ યુએઈની કૅપ્ટન છે અને તેણે સ્કૉટલૅન્ડ સામે ૨૪ બૉલમાં ૨૭ રન બનાવ્યા હતા. સમાઇરા ધરણીધરકાએ બે વિકેટ લીધી હતી અને પછી ૨૭ બૉલમાં ૨૩ રન બનાવ્યા હતા. માહિકા ગૌરે પચીસ બૉલમાં અણનમ ૩૩ રન બનાવ્યા હતા. એ પહેલાં યુએસની બોલર્સમાં વૈષ્ણવી મહેશે ૧૯ રનમાં બે, ઇન્દુજા નંદકુમારે ૨૦ રનમાં બે, સમાઇરાએ બાવીસ રનમાં બે અને લાવણ્ય કેનીએ એક વિકેટ લીધી હતી. પેસ બોલિંગ ઑલરાઉન્ડર સમાઇરા પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી હતી.
ગ્રુપ ‘ડી’માં ભારત બે પૉઇન્ટ અને ૨.૦૦૩ના રનરેટ સાથે મોખરે છે. ભારતની પેસ બોલિંગ ઑલરાઉન્ડર હર્લી ગાલા શનિવારની મૅચમાં નહોતી, પણ આજે મોકો મળતાં જરૂર ટીમને 
ઉપયોગી બનશે.

બંગલાદેશનો ઑસ્ટ્રેલિયાને આંચકો

શનિવારે ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપની સૌથી પહેલી મૅચમાં અપસેટ જોવા મળ્યો હતો. રીસ મૅકેનાના નેતૃત્વમાં ઑસ્ટ્રેલિયાની ટીમ જીતવા માટે ફેવરિટ ગણાતી હતી, પરંતુ એ ટીમ પાંચ વિકેટે ફક્ત ૧૩૦ રન બનાવી શકતાં દિશા બિશ્ર્વાસની કૅપ્ટન્સીમાં બંગલાદેશની ટીમે માત્ર ૩ વિકેટના ભોગે ૧૩૨ રન બનાવીને વિજય મેળવી લીધો હતો.

એ દિવસે અન્ય મૅચમાં શ્રીલંકાએ યુએસએની ટીમને ૭ વિકેટે પરાજિત કરી હતી.

આ પણ વાંચો : શ્વેતા સેહરાવતની આક્રમક ઇનિંગ્સ :અન્ડર-19માં ભારતનો વિજયી પ્રારંભ

વેસ્ટ ઇન્ડીઝ, પાકિસ્તાનના વિજય

ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝનો આયરલૅન્ડ સામે ૮ રનથી વિજય થયો હતો. પાકિસ્તાને રવાન્ડાની ટીમને ૮ વિકેટે હરાવી હતી.

શનિવારે શ્વેતાના ૯૨માંથી ૮૦ ટકા રન બાઉન્ડરીના હતા!

ભારતે શનિવારે ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપમાં યજમાન સાઉથ આફ્રિકા સામે ૭ વિકેટે જીતીને જે વિજયી શરૂઆત કરી એમાં કૅપ્ટન શેફાલી વર્માનો ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ (૩૧ રનમાં બે વિકેટ અને ૧૬ બૉલમાં ૪૫ રન) ઉપયોગી હતો, ખાસ કરીને ઓપનર અને વાઇસ કૅપ્ટન શ્વેતા સેહરાવત (૯૨ અણનમ, ૫૭ બૉલ, ૨૦ ફોર)નું યોગદાન સૌથી મોટું હતું. તેના ૯૨માંથી ૮૦ (૮૦ ટકા) રન બાઉન્ડરીના હતા. તે સૌપ્રથમ સેન્ચુરી ચૂકી ગઈ હતી, પણ ભારતને જિતાડ્યાનો તેનામાં બેહદ આનંદ હતો. સાઉથ આફ્રિકાના ૧૬૬/૫ના જવાબમાં ભારતે ૧૬.૩ ઓવરમાં ૩ વિકેટે ૧૭૦ રન બનાવી લીધા હતા.

sports news sports cricket news t20 world cup u-19 world cup indian womens cricket team