12 December, 2025 02:58 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કૅપ્ટન સૂર્યકુમાર યાદવ અને કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ ટૉસ બાદ ભારત અને અમેરિકાની પહેલી મૅચની ટિકિટ બતાવી ટિકિટ-વેચાણની જાહેરાત કરી હતી.
ભારત અને શ્રીલંકામાં આયોજિત મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેની ટિકિટનું ઑનલાઇન વેચાણ ગઈ કાલે સાંજે ૬.૪૫ વાગ્યે શરૂ થયું હતું. એન્ટ્રી-લેવલ ટિકિટના ભાવ ઐતિહાસિક રીતે ઓછા રાખવામાં આવ્યા છે જેથી આ મુખ્ય ઇવેન્ટ બધા માટે સુલભ બને.
ભારતમાં કેટલાક વેન્યુ પર ૧૦૦ રૂપિયાની સૌથી ઓછી કિંમતની ટિકિટ મળશે જે ઑલમોસ્ટ ભારત સિવાયની ટીમોની મૅચ માટે જ ઉપલબ્ધ છે. શ્રીલંકામાં આયોજિત મૅચ માટે ૧૦૦૦ શ્રીલંકન રૂપિયા એટલે ઑલમોસ્ટ ૨૯૨ ભારતીય રૂપિયાથી ટિકિટ વેચાવાની શરૂ થઈ છે. ભારત-શ્રીલંકામાં હાલમાં યોજાયેલા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમાં પણ ૧૦૦ રૂપિયાથી ટિકિટની કિંમત રાખવામાં આવી હતી.
૨૦૨૬ની ૭ ફેબ્રુઆરીથી શરૂ થતી આ ટુર્નામેન્ટની સુપર-8ના રાઉન્ડ સુધીની ૨૦ લાખ ટિકિટ હાલમાં વેચાણ માટે બહાર પાડવામાં આવી છે. એને બુકમાય શો પરથી ખરીદી શકાશે. સાંજે ટિકિટ-વેચાણ શરૂ થતાં ભારતની મૅચો માટેની ટિકિટ ખરીદવા માટે ફૅન્સ તૂટી પડ્યા હતા.