18 April, 2026 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલપ્રીત બાજવા
કરપ્શન, ક્રાઇમ ઍન્ડ ક્રિકેટ નામની ૪૩ મિનિટની એક ડૉક્યુમેન્ટરીએ ક્રિકેટ કૅનેડામાં ખળભળાટ મચાવ્યો છે. આ ડૉક્યુમેન્ટરીમાં વહીવટ, ટીમ-પસંદગી અને મૅચ સંબંધિત કેટલાક વર્તન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બે ભૂતપૂર્વ કોચના નિવેદન અને કૉલ-રેકૉર્ડિંગ પણ આ ડૉક્યુમેન્ટરીમાં સામેલ છે. ICCના ઍન્ટી-કરપ્શન યુનિટે કૅનેડિયન ક્રિકેટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના અનેક કથિત કિસ્સાઓની તપાસ શરૂ કરી છે.
મેન્સ T20 વર્લ્ડ કપ 2026નાં ત્રણ અઠવાડિયાં પહેલાં કૅપ્ટન બનેલા ભારતીય મૂળના દિલપ્રીત બાજવા પર પણ ગંભીર આરોપ લાગ્યા છે. ચેન્નઈમાં ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચમાં દિલપ્રીત બાજવાએ સ્પિનર તરીકે ફેંકેલી એક ઓવર શંકા હેઠળ છે. ન્યુ ઝીલૅન્ડે પાંચમી ઓવર પહેલાં ૩૫ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. દિલપ્રીત બાજવાએ નો-બૉલથી શરૂઆત કરીને એ પાંચમી ઓવરમાં ૧૫ રન આપી દીધા હતા. ફાસ્ટ બોલિંગ યુનિટ જ્યારે તરખાટ મચાવી રહ્યું હતું ત્યારે તેણે સ્પિન બોલિંગથી મૅચનો લય બગાડતાં તેના પર ફિક્સિંગના આરોપ લાગી રહ્યા છે.