૯ માર્ચની ફાઇનલમાં ભારત v/s ન્યુ ઝીલૅન્ડ

06 March, 2025 09:18 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

બીજી સેમી-ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડે આપેલા ૩૬૩ રનના વિશાળ ટાર્ગેટ સામે નવ વિકેટે ૩૧૨ રન બનાવી શક્યું સાઉથ આફ્રિકા, ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ડેવિડ મિલરની ફાસ્ટેસ્ટ સેન્ચુરી છતાં ફરી ચોકર્સ સાબિત થયા આફ્રિકનો

કેન વિલિયમસને ૯૪ બૉલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૨ રન ફટકાર્યા હતા.

લાહોરમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફીની બીજી સેમી ફાઇનલ મૅચમાં સાઉથ આફ્રિકા સામે ૫૦ રને જીત મેળવીને ન્યુ ઝીલૅન્ડે ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી કિવી ટીમે ૪૩ બાઉન્ડરી (૩૮ ચોગ્ગા અને પાંચ છગ્ગા)ની મદદથી ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસનો હાઇએસ્ટ ૩૬૨ રનનો સ્કોર ખડકી દીધો હતો. છઠ્ઠા ક્રમે બૅટિંગ કરનાર ડેવિડ મિલરે ૬૭ બૉલમાં આ ટુર્નામેન્ટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી હોવા છતાં સાઉથ આફ્રિકા ૫૦ ઓવરમાં નવ વિકેટે ૩૧૨ રન જ કરી શક્યું હતું. આ મૅચમાં બન્ને ટીમ વચ્ચેની આ ફૉર્મેટની એક મૅચના હાઇએસ્ટ ૬૭૪ રન બન્યા હતા.

સેમી-ફાઇનલ મૅચમાં કિવી તરફથી ઓપનર રચિન રવીન્દ્ર અને સ્ટાર બૅટર કેન વિલિયમસને સેન્ચુરી ફટકારીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ઓપનર વિલ યંગ (૨૩ બૉલમાં ૨૧ રન) સાથે ૪૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કર્યા બાદ રચિન રવીન્દ્રએ બીજી વિકેટ માટે કેન વિલિયમસન સાથે ૧૫૪ બૉલમાં ૧૬૪ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતીય મૂળનો ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર ૧૦૧ બૉલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૦૮ રનની ઇનિંગ્સ રમ્યો હતો. ૯૪ બૉલમાં ૧૦ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૧૦૨ રન ફટકારનાર વિલિયમસને ડૅરિલ મિચેલ સાથે ત્રીજી વિકેટ માટે ૩૯ રનની પાર્ટનરશિપ કરીને ટીમનો સ્કોર ૨૫૦ રનને પાર પહોંચાડ્યો હતો.

ગ્લેન ફિલિપ્સે (૨૭ બૉલમાં ૪૯ રન) પાંચમી વિકેટ માટે ડૅરિલ મિચેલ (૩૭ બૉલમાં ૪૯ રન) સાથે ૫૭ રન અને માઇકલ બ્રેસવેલ (૧૨ બૉલમાં ૧૬ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૪૬ રનની પાર્ટનરશિપ કરી હતી. તેની મદદથી ટીમે છેલ્લી ૧૦ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૭૦ રન જોડ્યા હતા. લુન્ગી ઍન્ગિડી (૭૨ રનમાં ૩ વિકેટ) અને કૅગિસો રબાડા (૭૦ રનમાં બે વિકેટ) સાઉથ આફ્રિકા માટે સૌથી સફળ બોલર રહ્યા હતા.

ઑલરાઉન્ડર રચિન રવીન્દ્ર ૧૦૧ બૉલમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૦૮ રનની ઇનિંગ્સ રમ્યો હતો.

ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટો સ્કોર

૩૬૨/૬

ન્યુ ઝીલૅન્ડ vs સાઉથ આફ્રિકા (૨૦૨૫)

૩૫૬/૫

ઑસ્ટ્રેલિયા vs ઇંગ્લૅન્ડ (૨૦૨૫)

૩૫૧/૮

ઇંગ્લૅન્ડ vs ઑસ્ટ્રેલિયા (૨૦૨૫)

૩૪૭/૪

ન્યુ ઝીલૅન્ડ vs અમેરિકા (૨૦૦૪)

૩૩૮/૪

પાકિસ્તાન vs ભારત (૨૦૧૭)

રચિન રવીન્દ્ર અને કેન વિલિયમસને મળીને રેકૉર્ડ બનાવ્યા

રચિન રવીન્દ્ર અને કેન વિલિયમસને ૧૬૪ રનની પાર્ટનરશિપ કરીને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં કિવી ટીમ માટે ૨૦૦૪નો ૧૬૩ રનનો કોઈ પણ વિકેટ માટેની હાઇએસ્ટ પાર્ટનરશિપનો રેકૉર્ડ તોડ્યો છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સાઉથ આફ્રિકા સામે કોઈ પણ ટીમ તરફથી કોઈ પણ વિકેટ માટેની પણ સૌથી મોટી પાર્ટનરશિપ છે. ગઈ કાલે ૨૭ રન ફટકારતાંની સાથે કેન વિલિયમસન ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૯,૦૦૦ રન ફટકારનાર પહેલો કિવી પ્લેયર બન્યો છે.

રવીન્દ્રે ICC વન-ડે ઇવેન્ટમાં પોતાની પાંચમી સેન્ચુરી ફટકારીને અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. તે ICC વન-ડે ઇવેન્ટ્સમાં એક સીઝનમાં એકથી વધુ સેન્ચુરી ફટકારનાર પહેલો કિવી બૅટર બન્યો છે. તેણે ૨૦૨૩ના વર્લ્ડ કપમાં ત્રણ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં બે સેન્ચુરી ફટકારી છે. આ પહેલાં ભારતના સૌરવ ગાંગુલી, શિખર ધવન અને શ્રીલંકાના ઉપુલ થરંગા જ આ કમાલ કરી શક્યા છે.

ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલા સાઉથ આફ્રિકાએ ૨૦ રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવ્યા બાદ બીજી વિકેટ માટેની ૧૦૫ રનની પાર્ટનરશિપથી જીતની આશા બંધાઈ હતી, પણ કૅપ્ટન ટેમ્બા બવુમા (૭૧ બૉલમાં ૫૬ રન) અને મિડલ ઑર્ડર બૅટર રૅસી વૅન ડર ડુસેન (૬૬ બૉલમાં ૬૯ રન)ની આ ભાગીદારી બાદ સાઉથ આફ્રિકાના બૅટર્સ કોઈ મોટી પાર્ટનરશિપ કરી શક્યા નહોતા. સમયાંતરે પડી રહેલી વિકેટ વચ્ચે છેક નવમી વિકેટ માટે ડેવિડ મિલર (૬૭ બૉલમાં ૧૦૦ રન અણનમ) અને લુન્ગી ઍન્ગિડી (બે બૉલમાં એક રન) વચ્ચે ૫૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. કૅપ્ટન અને સ્પિનર મિચલ સૅન્ટનર (૪૩ રનમાં ત્રણ વિકેટ)ની આગેવાનીમાં કિવી ટીમના સ્પિન યુનિટે પહેલી વાર ICC વન-ડે ઇવેન્ટની મૅચમાં સાત વિકેટ ઝડપીને આફ્રિકન ટીમને ફરી ચોકર્સ સાબિત કરી હતી. સ્પિનર ગ્લેન ફિલિપ્સ અને ફાસ્ટ બોલર મૅટ હેન્રીને પણ બે-બે સફળતા મળી હતી.

૨૦૦૯ની ફાઇનલ બાદ ફરી કિવી ટીમ આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી છે. નવ માર્ચે ભારતને હરાવીને વર્ષ ૨૦૦૦ બાદ ફરી આ ટુર્નામેન્ટ જીતવાનો પ્રયાસ કરશે, જ્યારે સાઉથ આફ્રિકન ટીમ ફરી એક વાર મહત્ત્વપૂર્ણ મૅચમાં હારી ગઈ છે.

3
આટલી સેન્ચુરી એક ચૅમ્પિયન્સ ટ્રોફી મૅચમાં પહેલી વાર જોવા મળી.

9
ICC વન-ડે ઈવેન્ટમાં 11 મૅચ સેમી ફાઇનલમાંથી આટલામી સેમી ફાઈનલ મૅચ હારી સાઉથ આફ્રિકા. જે અત્યાર સુધીનો સૌથી વધુનો રેકોર્ડ છે.

champions trophy new zealand south africa lahore rachin ravindra kane williamson international cricket council cricket news sports news sports