22 May, 2026 04:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ચક્રવર્તી
કલકત્તાના સહાયક કોચ શેન વૉટ્સન કહે છે, ‘હું ફક્ત એટલું જ જાણું છું કે તે થોડો દુખાવો હોવા છતાં હમણાં રમી રહ્યો છે. આ દર્શાવે છે કે તે કેટલો બહાદુર છે અને અહીં રહીને ટીમમાં યોગદાન આપવા માટે કેટલો ઉત્સુક છે. ઈજા હોવા છતાં તે હજુ પણ શાનદાર બોલિંગ કરી રહ્યો છે. અમારી ટીમમાં વરુણ જેવી પ્રતિભા હોવાથી અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ. પીડા હોવા છતાં તે રમવાની ઇચ્છા દર્શાવી રહ્યો છે.’
વરુણ સાથેની ટક્કરને કારણે અંગક્રિશ રઘુવંશી થયો ઘાયલ
બુધવારે ૧૧મી ઓવરમાં તિલક વર્માનો કૅચ પકડવાના ચક્કરમાં વિકેટકીપર અંગક્રિશ રઘુવંશી બોલર વરુણ ચક્રવર્તી સાથે ટકરાયો હતો. ટક્કરને કારણે બન્નેમાંથી કોઈ ખેલાડી કૅચ પકડી શક્યો નહોતો. આ ટક્કરને કારણે મુંબઈના ડોમેસ્ટિક ખેલાડી અંગક્રિશ રઘુવંશીને ગરદનમાં દુખાવો અને માથાનો દુખાવો થયો હતો. મુંબઈ સામેની રમત તે પૂરી કરી શક્યો નહોતો અને મેદાનની બહાર જવું પડ્યું હતું.
પ્લેઑફની રેસના મહત્ત્વપૂર્ણ તબક્કામાં આ ઇન્જરીને કારણે અંગક્રિશ રઘુવંશી બહાર થયો તો કલકત્તાને મોટો ફટકો પડશે. વર્તમાન સીઝનની ૧૨ મૅચમાં પાંચ ફિફટીની મદદથી તેણે કલકત્તા માટે સૌથી વધુ ૪૨૨ રન ફટકાર્યા છે.