05 February, 2025 09:46 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
૨૪ કલાકમાં બે દેશમાં બે મૅચ રમ્યો, પણ બન્નેમાં ફ્લૉપ રહ્યો આન્દ્રે રસેલ.
વિશ્વભરમાં વધી રહેલી T20 ફ્રૅન્ચાઇઝી લીગ વચ્ચે વિવિધ દેશમાં આ ફૉર્મેટના સ્પેશ્યલિસ્ટ પ્લેયર્સની માગ સતત વધી રહી છે જેના કારણે કેટલાક પ્લેયર્સે એક દેશથી બીજા દેશમાં સતત મુસાફરી કરીને કરાર હેઠળ મેદાન પર ઊતરવું પડે છે. વેસ્ટ ઇન્ડીઝના ઑલરાઉન્ડર આન્દ્રે રસેલે હાલમાં ૨૪ કલાકમાં બે દેશમાં બે મૅચ રમી છે, પણ બન્ને મૅચમાં તેણે ખરાબ પ્રદર્શન કર્યું અને તેની ટીમ નૉકઆઉટ સ્ટેજમાં આગળ ન વધી શકી.
ભારતીય સમય અનુસાર બીજી ફેબ્રુઆરીએ રસેલ સાંજે ૭ વાગ્યે દુબઈમાં ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)માં અબુ ધાબી નાઇટ રાઇડર્સ માટે દુબઈ કૅપિટલ્સ સામે રમ્યો. લીગ-સ્ટેજની મહત્ત્વની મૅચમાં તે ગોલ્ડન ડક થયો અને તેની ટીમ હારનો સામનો કરીને નૉકઆઉટ રાઉન્ડમાં ન પહોંચી. ત્રીજી ફેબ્રુઆરીએ બપોરે એક વાગ્યે તે બંગલાદેશના ઢાકામાં બંગલાદેશ પ્રીમિયર લીગની એલિમિનેટર મૅચ રમવા ઊતર્યો હતો જેમાં તેણે ખુલના ટાઇગર્સ સામે રંગપુર રાઇડર્સ માટે ચાર રન બનાવ્યા અને એક ઓવર ફેંકી એમાં ૧૪ રન આપી દીધા. આ મૅચમાં પણ હાર મળતાં તેની ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં આગળ ન વધી શકી. આ દરમ્યાન એક દેશમાંથી બીજા દેશમાં જઈને રમવા માટે તેણે ફ્લાઇટથી ૩૫૦૦ પ્લસ કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી.