27 March, 2025 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલ અને અથિયાની એક નવજાત બાળકી સાથેની તસવીર
સુનીલ શેટ્ટીની દીકરી અથિયા તેમ જ ભારતીય વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલના ઘરે સોમવારે પ્રથમ સંતાન તરીકે દીકરીનો જન્મ થયો હતો. કે. એલ. રાહુલે પોતે જ સોશ્યલ મીડિયામાં આ સમાચાર શૅર કર્યા હતા. જોકે હાલમાં ઇન્ટરનેટ પર કે. એલ. રાહુલ અને અથિયાની એક નવજાત બાળકી સાથેની તસવીર વાઇરલ થઈ રહી છે એને જોઈને પહેલી નજરે એ નવજાત દીકરીની પહેલી તસવીર હોય એવું લાગે છે.
જોકે હકીકત અલગ જ છે. આ તસવીર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી તૈયાર કરવામાં આવી છે. કે. એલ. રાહુલ તેમ જ અથિયાએ દીકરીના જન્મની જાહેરાત કરી છે, પણ તેમણે સત્તાવાર રીતે દીકરીની કોઈ તસવીર સોશ્યલ મીડિયામાં પોસ્ટ નથી કરી.
પહેલી વાર પપ્પા બનેલા કે. એલ. રાહુલને અનોખી સ્ટાઇલમાં શુભેચ્છા આપી દિલ્હી કૅપિટલ્સે
વિશાખાપટનમમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) સામેની રોમાંચક એક વિકેટની જીત બાદ દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમ ડ્રેસિંગ રૂમમાં ખુશખુશાલ જોવા મળી હતી. દીકરીના જન્મને કારણે દિલ્હી ફ્રૅન્ચાઇઝીનો વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ ઓપનિંગ મૅચ રમી શક્યો નહોતો. જોકે તેના સાથી પ્લેયર્સે ડ્રેસિંગ રૂમમાંથી રાહુલને અનોખી રીતે શુભેચ્છા પાઠવી હતી. કોચિંગ સ્ટાફથી લઈને ટીમના સ્ટાર પ્લેયર્સે બન્ને હાથથી બાળક રમાડતા હોવાની ઍક્શન કરી પહેલી વાર પપ્પા બનવા માટે શુભેચ્છા પાઠવી હતી.