બોલો, હવે AI ની પણ બ્યુટી કૉન્ટેસ્ટ યોજાશે

07 June, 2024 02:10 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ટૉપ-10 સ્પર્ધકોમાં ભારતની આ AI સુંદરીનો પણ સમાવેશ

પ્રતીકાત્મક તસવીર

અત્યાર સુધી તમે મિસ વર્લ્ડ, મિસ યુનિવર્સ કે મિસ ઇન્ડિયા જેવી બ્યુટી કૉમ્પિટિશન વિશે સાંભળ્યું હશે. જોકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના આગમન બાદ હવે મિસ AI કૉમ્પિટિશન પણ યોજાઈ રહી છે. એપ્રિલમાં શરૂ થયેલા દુનિયાના પહેલા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બ્યુટી પેજન્ટને વર્લ્ડ AI ક્રીએટર અવૉર્ડ્‍સ (WAICA) હોસ્ટ કરી રહ્યું છે. વિશ્વભરના AI કન્ટેન્ટ-ક્રીએટર્સ દ્વારા સબમિટ કરવામાં આવેલી લગભગ ૧૫૦૦ મૉડલમાંથી જ્યુરીએ ટૉપ-10 AI મૉડલની પસંદગી કરી છે, જેમાંથી દુનિયાને પહેલી મિસ AI મળશે. વિનરને ૧૬ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે અને ફૅન વ્યુ પ્લૅટફૉર્મ પર પ્રમોશન પણ મળશે. રસપ્રદ વાત એ છે કે ટૉપ-10 સ્પર્ધકોની યાદીમાં ઝારા શતાવરી નામની ભારતીય AI ઇન્ફ્લુઅન્સર પણ સામેલ છે. ઝારા સોશ્યલ મીડિયા પર મહિલાઓના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવે છે.

આ બ્યુટી પેજન્ટમાં AI મૉડલનું મૂલ્યાંકન ચાર જજોની એક પૅનલ કરી રહી છે જેમાં બે AI-જનરેટેડ જજ પણ સામેલ છે. તેમનાં નામ એટાના લોપેઝ અને એમિલી પેલેગ્રીની છે જેના ઇન્સ્ટાગ્રામ પર અનુક્રમે ૩ લાખ અને ૨.૫ લાખથી વધુ ફૉલોઅર્સ છે.

ai artificial intelligence miss world international news offbeat news