25 January, 2023 12:21 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
સોશ્યલ મીડિયા પર અત્યારે આ શોના કેટલાક વિડિયો વાઇરલ થઈ રહ્યા છે
તમે સિન્ગિંગ શો કે નૉલેજ બેઝ્ડ ટીવી-શો તો જોયા જ હશે, પણ અહીં એક નોખા ટીવી-શોની વાત કરવાની છે. સોશ્યલ મીડિયા પર અત્યારે આ શોના કેટલાક વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. આ વિડિયો વાસ્તવમાં એક અમેરિકન ટીવી-શોના છે. એમાં ભાગ લેનારા લોકો એકબીજાને શક્ય એટલી તાકાતથી તમાચો મારે છે. આ શોના કુલ ૮ એપિસોડ છે. શો તૈયાર કરનારાઓનું કહેવું છે કે આ બધું રિયલમાં થઈ રહ્યું છે, એમાં કાંઈ પણ સ્કિપ્ટેડ નથી. આ શોમાં દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે. તેઓ સ્ટેજ પર આવીને એ પુરવાર કરવાની કોશિશ કરે છે કે તેમનાથી વધારે જોરથી કોઈ તમાચો ન મારી શકે.
અહીં તમાચો મારતાં પહેલાં કૉઇન ઉછાળીને નક્કી કરવામાં આવે છે કે કોણે પહેલાં તમાચો મારવાનો, જેમાં ત્રણ રાઉન્ડ હોય છે. દરેક રાઉન્ડમાં ફાઇટરે તેના હરીફને તમાચો મારવાનો હોય છે. નિયમ અનુસાર હાથથી ગાલે જ તમાચો મારવાનો છે. વિજેતાની જાહેરાત ૧૦ પૉઇન્ટ સિસ્ટમના આધારે કરવામાં આવે છે.