13 March, 2021 10:05 AM IST | Mumbai | Mumbai correspondent
ટચૂકડા કાચબા જેવા સોનેરી ભમરાના વિડિયોએ હૅરી પૉટરની યાદ દેવડાવી
કુદરતના ખોળે અનેક અજાયબ ચીજોનો સંગ્રહ પડ્યો છે, જે જ્યારે ઉજાગર થાય ત્યારે માનવી બસ જોતો જ રહી જાય. હાલમાં ટ્વિટર પર કુદરતની આવી જ એક કરામતનો વિડિયો વાઇરલ થયો છે, જેણે નેટિઝન્સનું મન મોહી લીધું છે. નાના કદના આછા સોનેરી કલરના કાચબા જેવા ભમરા સમાન આ જીવડાનો વિડિયો આઇએફએસ અધિકારી સુશાંતા નંદાએ શૅર કર્યો છે.
૧૭ સેકન્ડના આ વિડિયોમાં એક વ્યક્તિના હાથમાં આ જીવડાં જોઈ શકાય છે જેમાંનું એક થોડી વાર આમતેમ ફરીને ઊડતું જોવા મળે છે. જોકે દરેક સોનેરી ચીજ સોનું નથી હોતી એ આ વિડિયો પરથી ફલિત થાય છે. આવા સોનેરી ભમરા દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. આ જીવડાની ઉપરનું આવરણ સોનેરી હોવાથી એ ગોલ્ડ બગ્સના નામે પણ ઓળખાય છે.
અત્યાર સુધી આ વિડિયોને ૧૧,૫૦૦ વ્યુઝ, ૨૦૬ વાર રીટ્વીટ અને ૧૩૦૬ લાઇક્સ મળ્યાં છે.