17 September, 2022 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિશ્વના સૌથી શક્તિશાળી મહાનુભાવો માટે ભૂગર્ભ બન્કર્સ
સ્વિસ કંપની ઑપિડમ વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિઓનાં રહેઠાણોની નીચે ઍપોકૅલિપ્સ-પ્રૂફ ફૉર્ટિફાઇડ બન્કર્સ બનાવવાની ઑફર કરી રહી છે. ઑપિડમે એના નવા એલ હેરિટેજ ૧૦,૭૬૦ ચોરસ ફુટ ફૉર્ટિફાઇડ ભૂગર્ભ બન્કર્સનું અનાવરણ કર્યું છે, જેનું વર્ણન સુપર-લક્ઝરી રોજિંદા જીવનશૈલી માટે યથાયોગ્ય છે તેમ જ આ બન્કર જમીન પરનાં તમામ જોખમો માટે તૈયાર છે.
‘ઑપિડમ’ના નામે ઓળખાતું આ ભૂગર્ભ બન્કર સંપૂર્ણપણે હવાચુસ્ત અને ગેસ્ટાઇટ છે અને જો માનવસર્જિત અથવા કુદરતી આપત્તિના કિસ્સામાં જરૂર પડે તો બહારના વાતાવરણથી સંપૂર્ણપણે અલગ કરી શકાય એવું છે. સર્ફેસ હેલિકૉપ્ટર પૅડ દ્વારા આવતા ઘરમાલિકો તેમના પ્રતિષ્ઠિત કારસંગ્રહ માટે રચાયેલી વિશાળ ગૅરેજમાં પ્રવેશવા માટે જમીનથી ૫૦ ફુટ નીચે ઊતરી શકે છે.
એક ઍરલૉકમાંથી પસાર થયા પછી સંપૂર્ણ સુવિધાથી સજ્જ એક ચેમ્બર ઉપરાંત અન્ય સુવિધાઓમાં એક ખાનગી આર્ટ ગૅલરી, સુરક્ષિત મીટિંગ લાઉન્જ, આરામદાયક બેડરૂમ સ્વીટ્સ, ઇન્ડોર ગાર્ડન, સ્પા અને રોજિંદા ઉપયોગ માટેની અન્ય સુવિધાનો એમાં સમાવેશ છે. આ ઉપરાંત આર્ટ માસ્ટરપીસના સંગ્રહ, સોનું, ચાંદી તેમ જ રોકડ અને અન્ય ઝવેરાત સાચવવા માટે વૉલ્ટ પણ છે.