22 April, 2025 06:53 AM IST | London | Gujarati Mid-day Correspondent
લ્યુસી આઇઝૅક
બ્રિટનના ઑક્સફર્ડમાં રહેતી લ્યુસી આઇઝૅક નામની ટીચરે તાજેતરમાં એક હેલ્ધી બાળકને જન્મ આપ્યો હતો. જોકે આ બાળક પહેલી વાર માના પેટમાંથી બહાર આવ્યું છે એવું નથી. આ પહેલાં પણ તે એક વાર માના પેટમાંથી બહાર આવ્યું હતું અને ફરીથી તેને પાછું માની કૂખમાં સેટલ કરી દેવામાં આવ્યું હતું. હા, માનવામાં થોડુંક અઘરું લાગે એવું છે, પરંતુ મેડિકલ સાયન્સનું આ મિરૅકલ છે. અલબત્ત, આવી ઘટના પહેલી વાર નથી ઘટી. અત્યાર સુધીમાં ગ્લોબલી લગભગ ડઝનેક કિસ્સા આવા બની ચૂક્યા છે. આ કઈ રીતે શક્ય બન્યું એ જાણીએ.
લ્યુસી ૨૦ વીકની પ્રેગ્નન્ટ હતી ત્યારે તેને ઓવરીમાં ખૂબ મોટી કૅન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. બાળક ડિલિવર થઈ જાય ત્યાં સુધી જો એ ગાંઠ કાઢવાનું પાછું ઠેલવામાં આવે તો એનાથી મા અને બાળક બન્નેનો જીવ જોખમમાં મુકાઈ શકે એમ હતો. કૅન્સરની ટ્યુમરને કાઢવી જરૂરી હોવાથી ડૉ. સોલેમની મૅજ નામના સર્જ્યને ચાલુ ગર્ભાવસ્થાએ જ ટ્યુમર કાઢવાની સર્જરી હાથ ધરવાનું નક્કી કર્યું હતું. એ સર્જરી દરમ્યાન લ્યુસીનું ગર્ભાશય તેના શરીરમાંથી કાઢીને થોડાક સમય માટે બહાર રાખવામાં આવ્યું હતું. ડૉક્ટરોએ ઓપન સર્જરી કરીને પેટમાંથી પહેલાં ગર્ભાશય બહાર કાઢ્યું અને એને ખાસ ટ્રીટમેન્ટવાળા સલાઇન વૉટરની બૅગમાં સાચવીને રાખવામાં આવ્યું. જો એના ટેમ્પરેચરમાં સહેજ પણ ઊંચનીચ થાય તો એનાથી અંદર ઊછરી રહેલા બાળક પર માઠી અસર પડે. એટલે દર વીસ મિનિટે ચોક્કસ તાપમાનવાળી સલાઇન વૉટરની બૅગ રિપ્લેસ કરતા રહ્યા. બીજી તરફ કૅન્સર સર્જ્યનોએ ઓવરીમાંની કૅન્સરની ટ્યુમરની સર્જરી કરી અને પછી જ્યારે બધું જ પતી ગયું ત્યારે ગર્ભાશયને ફરીથી લ્યુસીના પેટમાં સ્થાપિત કરી દેવામાં આવ્યું. આ સર્જરી પાંચ કલાક ચાલી હતી અને બાળક સહિત ગર્ભાશય લગભગ સાડાચાર કલાક માટે બહાર રહ્યું હતું. સર્જરી બાદ લ્યુસીને નવ મહિના પૂરા થયા એ પછી તેની ડિલિવરી કરાવવામાં આવી અને તેને લગભગ ત્રણ કિલોનો હેલ્ધી દીકરો જન્મ્યો. તેનું નામ પાડ્યું છે રેફર્ટી. બહુ ગણ્યાગાંઠ્યા કેસમાં બાળક આ રીતે બે વાર ધરતી પર અવતરે છે અને રેફર્ટી એમાંનો એક છે.