03 January, 2024 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આઇઆઇટી કાનપુરના પ્રખર અગ્રવાલ અને તનય તિવારી
આઇઆઇટી કાનપુરના પ્રખર અગ્રવાલ અને તનય તિવારી નામના બે યુવકોએ એવું માઇક્રો ગાર્ડન તૈયાર કર્યું છે જેમાં એક ઍરોપૉનિક ટાવર છે. વર્ટિકલ ગાર્ડન જેવો દેખાતો કૂંડા પર ઊભેલો ટાવર નાની બાલ્કની ધરાવતાં ઘર માટે ખૂબ જ બેસ્ટ છે. પ્રખર કમ્પ્યુટર સાયન્સ ગ્રૅજ્યુએટ છે અને તેને પોતાનાં શાકભાજી જાતે ઉગાડવાનો શોખ હતો. તેને રંગબેરંગી સુશોભન માટેની વનસ્પતિઓ કરતાં શાકભાજી અને ફળોનું ગાર્ડનિંગ ગમતું. જોકે એમાંય માટીને કારણે થતું અસ્તવ્યસ્ત વાતાવરણ પણ તેને નહોતું ગમતું. બસ, એમાંથી જ પેદા થયો આ નવો કન્સેપ્ટ.
પ્રખર અને તનય ઍરોપૉનિક સિસ્ટમ પર ખૂબ સંશોધન કરી રહ્યા હતા ત્યારે સ્કૂલ ફ્રેન્ડ્સ પ્રખર અને તનય ઍરોપૉનિક સિસ્ટમ પર વધુ રિસર્ચ કરી રહ્યા હતા ત્યારે એક એવી ઘટના બની કે તેમને આ પ્રોસેસ પર કામ કરવા માટે મજબૂર કર્યા. બન્યું એવું કે એક વાર પ્રખરે રસ્તા પર ફેરિયા પાસેથી શેરડીનો રસ પીધો અને ત્યાર બાદ તે લગભગ ચાર મહિના સુધી બીમાર પડ્યો હતો. ત્યારે તેને એવું ફીલ થયું કે હવે સમય આવી ગયો છે કે આપણે આપણું પોતાનું ભોજન ઘરે ઉગાડીએ. તેમણે ઓછી જગ્યામાં પીવીસી પાઇપનો ઉપયોગ કરીને હૉરિઝોન્ટલ સિસ્ટમ વિકસાવી જે એક બાલ્કનીમાં સમાઈ જાય.
૨૦૨૦માં તેમણે આ પ્રયોગ શરૂ કરેલો અને એ પછી તો લખનઉમાં આવેલા ગવર્નર્સ હાઉસમાં તેમનો ઍરોપૉનિક ટાવર શોકેસ કર્યો. હવે તો માઇક્રો ગાર્ડન્સનું આ સ્ટાર્ટઅપ અનેક લોકોને પસંદ આવી રહ્યું છે.
આ સિસ્ટમ પોતાના ઘરે લગાવનારા દિલ્હીના અભિષેક ગુપ્તાએ તેના પરિવારને બજારમાંથી મળતા જંતુનાશકવાળાં શાકભાજી ખાવાથી બચાવવા માટે કિચન ગાર્ડન બનાવ્યું છે. તાજેતરમાં તેમણે તેના કિચન ગાર્ડનમાં એક અનોખા ઍરોપૉનિક ટાવરનો સમાવેશ કર્યો છે, જે એક ટાવર જેટલી જગ્યામાં ૩૨ છોડ ઉગાડે છે. એ જગ્યામાં અગાઉ માત્ર બે છોડ સમાઈ શકતા હતા.
અભિષેક બહુ ખુશ છે. તે કહે છે, ‘આ ટાવર એક વ્યક્તિ ઊભી રહે એટલી જ જગ્યા લે છે અને આ નાની જગ્યામાં હું લેડીફિંગર્સ અને લેટસ જેવા ઘણા છોડ ઉગાડી રહ્યો છું. હું દરરોજ મારા સૅલડ માટે લેટસની લણણી કરું છું. આ ઉપરાંત હું મરી ઉગાડવાની યોજના બનાવી રહ્યો છું,’
આ વર્ટિકલ ટાવરનું મેઇન્ટેનન્સ પણ ઓછું છે. મારે ફક્ત ૭થી ૧૦ દિવસમાં એક વાર પોષક તત્ત્વો ઉમેરવાં પડશે. હું આ પ્રોડક્ટથી એટલો ખુશ છું કે હું આવા બે વધુ ટાવર ખરીદવાનું વિચારી રહ્યો છું, એમ આ સૉફ્ટવેર એન્જિનિયર ઉમેરે છે.
ઍરોપૉનિક્સ એ માટી વગરની હાઇડ્રોપૉનિક પદ્ધતિનો સબસેટ છે. આ પદ્ધતિમાં છોડના મૂળને હવામાં લટકાવવામાં આવે છે અને પોષક-ગાઢ ઝાકળ સાથે સિંચાઈ કરવામાં આવે છે. આ થિયરીને ધ્યાનમાં રાખીને લખનઉ સ્થિત પ્રખર અગ્રવાલ અને તનય તિવારીએ નાની જગ્યામાં શાકભાજી ઉગાડવા માટે એક અનોખો વર્ટિકલ ટાવર વિકસાવ્યો છે જે મોટાં શહેરોમાં નાના અપાર્ટમેન્ટની બાલ્કનીઓ માટે યોગ્ય છે.