દરજીની ભૂલથી ઉદાસ ઘોડાનાં રમકડાંની ચીનમાં ધૂમ ડિમાન્ડ નીકળી

29 January, 2026 01:21 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

એક આખા મોટા બૅચમાં સ્માઇલની જે લાઇન બન્ને તરફથી ઉપર જતી હોય એવી બનાવવાને બદલે નીચે આવતી હોય એવી સીવી નાખી

ક્રાઇંગ હૉર્સ

ચીનમાં લુનાર ન્યુ યર પહેલાં યીવુ શહેરમાં અચાનક જ માર્કેટમાં ક્રાઇંગ હૉર્સ નામના રમકડાની ડિમાન્ડ વધી ગઈ છે. આમ તો આ ઘોડા લાલ રંગનાં સૉફ્ટ ટૉય્ઝ છે અને એનો ચહેરો હસતો જ બનાવવાનો હતો. જોકે ટૉય્ઝની અંદર ફોમ ભરીને એની સિલાઈ કરવાનું કામ કરનારા દરજીએ ભૂલ કરી દીધી. એક આખા મોટા બૅચમાં સ્માઇલની જે લાઇન બન્ને તરફથી ઉપર જતી હોય એવી બનાવવાને બદલે નીચે આવતી હોય એવી સીવી નાખી. એને કારણે ઘોડાનો ચહેરો એકદમ ઉદાસ હોય એવું દેખાવા લાગ્યું. પહેલાં તો ટૉય કંપનીએ વિચાર્યું કે આ ટૉય્ઝ ડિસ્કાર્ડ કરી દેવામાં આવે, પણ પછી થયું કે આટલુંબધું નુકસાન સહન કરવાને બદલે એને ક્રાઇંગ હૉર્સના નામે માર્કેટમાં મૂકીને સ્ટૉક ખતમ કરી નાખીએ. જોકે જે રમકડાં સ્ટૉક ખતમ કરવા માટે માર્કેટમાં મુકાયેલાં એની તો જબરી ડિમાન્ડ નીકળી. લોકોનું કહેવું છે કે આજે યુવાનો જે કૉર્પોરેટ ગુલામી કરે છે એ લાગણીને ખૂબ સારી રીતે આ રમકડાં રજૂ કરે છે. એને કારણે સ્ટૉક તો ખતમ થઈ ગયો, પણ હવે ટૉય કંપની ક્રાઇંગ હૉર્સનું ધૂમ ઉત્પાદન કરવા લાગી છે.

china offbeat news international news world news