11 June, 2024 02:36 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
શાલિની નામની એક યુવતીએ જેન્ડર ચેન્જ કરાવીને છોકરો બનવાનું પસંદ કર્યું
ઉત્તર પ્રદેશના ઇટાવામાં ૨૮ વર્ષની શાલિની નામની એક યુવતીએ જેન્ડર ચેન્જ કરાવીને છોકરો બનવાનું પસંદ કર્યું હતું. નામ પણ શાલિનીમાંથી શાલુ શુક્લા કરી નાખ્યું. આમ તો શાલિનીને ઘણા સમયથી પોતાનું લિંગ-પરિવર્તન કરાવવાની ઇચ્છા હતી, પરંતુ પરિવારજનો તૈયાર નહોતા. શાલિનીને લગ્ન કરીને સાસરે નહોતું જવું. ૨૦૦૯માં શાલિનીનો એકનો એક ભાઈ અનુપ એક ઍક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો. એ વખતે શાલિનીની ઉંમર ૨૩ વર્ષની હતી. ભાઈ અનુજના બે દીકરાને સંભાળવામાં ભાભી થાકી જતી હતી અને પેરન્ટ્સ દીકરાના મોતના આઘાતમાં ડિપ્રેશનમાં રહેવા લાગ્યા. ઘરપરિવાર વિખેરાઈ રહ્યો હતો ત્યારે શાલિનીએ દીકરા તરીકે જવાબદારી ઉઠાવી લેવાની તૈયારી દાખવી. પેરન્ટ્સને સમજાવ્યા કે જો હું લિંગ-પરિવર્તન કરાવી લઈશ તો ભાઈની જેમ બધું જ ઘરનું કામ સંભાળી લઈશ. દીકરાના ગમમાં ડૂબેલાં માતાપિતા આ વાતે રાજી થઈ ગયાં અને શાલિનીને લગ્ન કરીને દહેજમાં આપવા માટે જે પૈસા ભેગા કર્યા હતા એમાંથી તેની જેન્ડર ચેન્જ કરવાની સર્જરી કરવામાં આવી. હવે શાલુ ખેતી અને ઘરની જવાબદારી ઘરના દીકરાની જેમ નિભાવે છે અને દેખાવમાં પણ હવે તે છોકરા જેવી જ લાગે છે.