13 September, 2024 04:32 PM IST | Bucharest | Gujarati Mid-day Correspondent
ઘરના દરવાજે ડોર-સ્ટૉપર તરીકે રખાતો આ પથ્થર તો નીકળ્યો ૯ કરોડ રૂપિયાનો
હીરાની પરખ ન હોય તો એ પથ્થર જ લાગે. આવું જ કંઈક રોમાનિયામાં રહેતી એક વૃદ્ધ મહિલા સાથે થયું. તેની પાસે કરોડો રૂપિયાનો ખજાનો હતો, પણ તેને એની ખરી કિંમત ખબર ન હોવાથી એ માત્ર ડોર-સ્ટૉપર પથ્થર તરીકે જ એને વાપરતી હતી. સાડાત્રણ કિલોનો આ પથ્થર અંબર નગેટ હતો. જ્યારે તેનું મૃત્યુ થયું એ પછી તેનાં સગાંવહાલાંઓએ ઘર ખાલી કરતી વખતે આ પથ્થર એક વિશેષજ્ઞને બતાવ્યો હતો. સ્થાનિક સંગ્રહાલયના ડિરેક્ટર ડૅનિયલ કોસ્ટાચેને તેમણે આ પથ્થર બતાવ્યો ત્યારે તેમને લાગ્યું કે આ તો કોઈ અલભ્ય નગેટ છે. તેમણે પથ્થરની ચકાસણી માટે પોલૅન્ડ મોકલ્યો, જ્યાં નિષ્ણાતોએ એને ૩.૮૫થી ૭ કરોડ વર્ષ જૂનો હોવાનું જણાવ્યું. બુઝુર્ગ મહિલાને રોમાનિયાના કોલ્ટી ગામ પાસેના નદીકિનારેથી આ પથ્થર મળ્યો હતો. મહિલાના મૃત્યુ પછી તેનાં સગાંવહાલાંઓએ આ અલભ્ય સ્ટોન ૯ કરોડ રૂપિયામાં વેચ્યો.