29 January, 2026 01:14 PM IST | Warsaw | Gujarati Mid-day Correspondent
ખજાનો તેમના જ ઘરના આંગણામાં દાટ્યો હતો
પોલૅન્ડમાં રહેતો ઍડમ ગ્લાઝેવ્સ્કી નાનો હતો ત્યારે દાદા અને પરદાદાદા પાસેથી સેકન્ડ વર્લ્ડ વૉરની વાતો સાંભળતો રહેતો હતો. તેના પિતા પણ તેને કહેતા કે તેમની પાસે ખૂબ પૈસો અને સંપત્તિ હતાં, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન દુશ્મનોની લૂંટથી બચવા માટે તેમના પરિવારે સંપત્તિ જમીનમાં દાટી દીધી હતી. જોકે એ પછી તેમણે એ સ્થળેથી ભાગી જવું પડ્યું. ખજાનો તેમના જ ઘરના આંગણામાં દાટ્યો હતો. જોકે એ ઘર અને આસપાસનો વિસ્તાર તો હવે નિર્જન, ઉજ્જડ અને જંગલ જેવો થઈ ગયો હતો. આ ખજાનાની વાતો તેણે ઘણા સમયથી સાંભળી હતી. તેના પિતા ગુસ્તાવે પોતાનું ઘર ક્યાં હતું અને એની સાપેક્ષે કઈ જગ્યાએ ખજાનો દાટ્યો હતો એનું એક ડ્રૉઇંગ તૈયાર કર્યું હતું. આ ડ્રૉઇંગને ઍડમે પણ પોતાની સંપત્તિની જેમ સાચવ્યું હતું. જોકે એક વાર તેણે નક્કી કર્યું કે એ નિર્જન જગ્યાએ જવું અને ખોદાકમ કરવું. તેણે એકલા જ ખોદકામ શરૂ કર્યું. શરૂઆતમાં તો માટીનાં ઢેફાં સિવાય કંઈ હાથ ન આવ્યું, પણ જેમ-જેમ વધુ ખોદતો ગયો એમ એમાંથી સોનાના સિક્કા, જૂની જ્વેલરી, જૂની તસવીરો અને દસ્તાવેજોની સાથે અન્ય કીમતી સામાનનો ખજાનો મળ્યો. આ માત્ર તેની ખોવાયેલી સંપત્તિ નહોતી, તેના પરિવારની વિરાસત હતી.