12 October, 2026 12:23 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
આ પંખીની પૉટીને કારણે બરફમાં પણ લીલ જામે છે
ઍન્ટાર્કટિકામાં હવે બરફ પીગળી રહ્યો છે. અલબત્ત, આખી પૃથ્વી પર ગ્લોબલ વૉર્મિંગને કારણે તાપમાન વધી રહ્યું હોવાથી ગ્લૅસિયર અને બરફ ગાયબ થઈ રહ્યાં છે. જોકે ઍન્ટાર્કટિકામાંથી બરફ પીગળવાનું એક કારણ ત્યાં જ વસતાં પેન્ગ્વિન પંખીઓ છે. રિસર્ચ જર્નલ ઑફ ઝિયોફિઝિકલ રિચર્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પેન્ગ્વિનની પૉટીને કારણે બરફ ઝડપથી પીગળી રહ્યો છે. એની પાછળનું લૉજિક પણ સંશોધકોએ આપ્યું છે. આ પંખીની પૉટીને કારણે બરફમાં પણ લીલ જામે છે. પૉટીમાં પોષક તત્ત્વો હોવાથી લીલનો વિકાસ બહુ ઝડપથી થાય છે. સામાન્ય રીતે બરફમાં જે લીલ જામે છે એ લાલાશ પડતી હોય છે, પરંતુ પેન્ગ્વિનની પૉટીને કારણે એને ખૂબ પોષણ મળે છે અને એ લીલા રંગની થઈ જાય છે. જેમ પાંદડાંના લીલા રંગ માટે ક્લોરોફિલ નામનું રંજકદ્રવ્ય જવાબદાર છે એમ આ લીલા રંગમાં ક્લોરોફિલ વધે છે. ઘેરા લીલા રંગને કારણે બરફની સપાટી સૂરજની ગરમી પોતાના તરફ વધુ આકર્ષે છે. એને કારણે બરફ ઝડપથી પીગળે છે.