20 March, 2021 11:06 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent
ડ્રાઇવર પ્રમોદ કુમાર
ટૂ-વ્હીલરના ચાલક માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત હોય છે એ બધા જાણે છે, એ જ રીતે ફોર-વ્હીલર ચલાવનાર માટે સીટ-બેલ્ટ ફરજિયાત હોય છે. જોકે ઓડિશાના ગંજમ જિલ્લામાં બનેલા એક વિચિત્ર બનાવમાં એક ટ્રક-ડ્રાઇવરને ડ્રાઇવિંગ દરમ્યાન હેલ્મેટ ન પહેરવા બદલ ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
વાત જાણે એમ હતી કે ગંજમ જિલ્લામાં જગન્નાથપુરના ડ્રાઇવર પ્રમોદ કુમારને સ્વેઇનના વાહનની પરમિટ રિન્યુ કરાવવાની હતી જે માટે તે આરટીઓ ઑફિસ ગયો હતો. ત્યાં તેને જાણવા મળ્યું કે તેના ત્રણ દંડ ભરવાના બાકી છે. તે ત્રણે દંડ ભર્યા બાદ જ્યારે તેણે પાવતી જોઈ તો ધ્યાનમાં આવ્યું કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા બદલ એનું ચલાન કાપવામાં આવ્યું હતું.
પાણી સપ્લાય કરવાનું કામ કરતો પ્રમોદ ત્રણ વર્ષથી ટ્રક ચલાવે છે. જોકે આ પહેલો બનાવ નથી. આ પહેલાં પણ ઉત્તર પ્રદેશના અલીગઢના પીયૂષ વાર્શ્નેને તેમ જ હમીરપુર જિલ્લાના પ્રશાંત તિવારીને પણ કાર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. વધુ નવાઈની વાત એ છે કે ફરીથી ચલાન ન કપાય એટલે તેઓ બન્ને હજી પણ કાર ચલાવતી વખતે હેલ્મેટ પહેરે છે.