અમેરિકાના કસીનોએ કર્મચારીઓને નોકરીના પ્રત્યેક વર્ષ દીઠ ૯૫,૮૪૦ના શૅર્સ આપ્યા, સૌથી જૂના સ્ટાફને મળ્યા ૪૭ લાખ

17 September, 2026 08:22 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લાસ વેગસના સ્ટેશન કસિનો કંપનીએ ૧૦,૦૦૦ કર્મચારીઓને વફાદારીના ઇનામ તરીકે રેડ રોક રિસોર્ટ્સના ૭૦ મિલ્યન ડૉલરના શૅર્સ આપ્યા. લાંબા સમયથી કામ કરતા કેટલાક કર્મચારીઓને લાખો રૂપિયાના શૅર્સ મળ્યા.

લાસ વેગસના સ્ટેશન કસિનો

દાયકાઓની લાંબી કૉર્પોરેટ કરીઅરમાં એક વચન અપાતું હોય છે કે લાંબો સમય કંપની સાથે રહો, મહેનત કરો, પેન્શન લો અને રિટાયરમેન્ટ વખતે મોટું પ્રોવિડન્ટ ફન્ડ લઈને જાઓ. જોકે અમેરિકાના લાસ વેગસના એક કસીનો ઑપરેટરે કર્મચારીઓને વફાદારીના ઇનામ તરીકે કંપનીના શૅર્સ આપવાનું શરૂ કર્યું છે. સ્ટેશન કસીનોએ લગભગ ૧૦,૦૦૦ ફુલ-ટાઇમ અને પાર્ટ-ટાઇમ કર્મચારીઓને રેડ રૉક રિસૉર્ટ્સ કંપનીના સ્ટૉકમાં ૭૦ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૬૭૦૮ કરોડ રૂપિયાના શૅર્સ આપ્યા છે. આ સ્કીમ અંતર્ગત એલિજિબલ કર્મચારીઓને કંપની સાથે જોડાયેલા રહેવા બદલ વર્ષદીઠ ૧૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૯૫,૮૪૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ શૅર્સ આપવાની જાહેરાત કંપનીની પચાસમી ઍનિવર્સરીના સેલિબ્રેશનના ભાગરૂપે કરવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે જે કર્મચારીઓ ૭ સપ્ટેમ્બર સુધી કામ કરતા હતા તેમને આ અવૉર્ડ મળશે. કસીનો ઑપરેટરે કેટલાક સૌથી લાંબા સમયથી કામ કરી રહેલા કર્મચારીઓને જે પેમેન્ટ આપ્યું એ તો લાખો રૂપિયામાં છે. ૧૯૭૭માં કંપની સાથે જોડાયેલી ઇડા જૉન્સન નામની કર્મચારીને ૪૯,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૪૭ લાખ રૂપિયાના શૅર્સ મળ્યા હતા. અન્ય ૬ કર્મચારીઓએ પણ ૧૯૭૦ના દાયકાથી કામ શરૂ કર્યું હતું તેમને પણ કંપનીના લગભગ ૪૩ લાખ રૂપિયાના શૅર્સ મળ્યા છે. રેડ રૉક કસીનો રિસૉર્ટ ઍન્ડ સ્પામાં જ્યારે કંપનીએ આ જાહેરાત કરી ત્યારે બધા જ કર્મચારીઓ માટે એ સરપ્રાઇઝ હતી. આ જાહેરાત કરીને કંપનીના CEOએ કહ્યું હતું કે હવે તમે આ કંપનીના માત્ર કર્મચારી નથી, આ કંપનીનો હિસ્સો પણ છો. 

united states of america washington world news international news offbeat news hatke news