06 January, 2023 12:19 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
કલકત્તાના વિધુરે ૨.૫ લાખના ખર્ચે બનાવડાવ્યું પત્નીનું સિલિકૉન પૂતળું
પશ્ચિમ બંગાળના કલકત્તામાં રહેતા એક વિધુરે પોતાની પત્ની જેવું જ દેખાતું સિલિકૉનનો ડમી બનાવવા માટે ૨૫૦૦ પાઉન્ડ અંદાજે ૨.૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તપસ સાંડિલ્યએ કહ્યું હતું કે તેની પત્ની ઇન્દ્રાણીની એવી ઇચ્છા હતી કે તેની આવી પ્રતિકૃતિ બનાવવામાં આવે. વળી એના સિલિકૉનના બનેલા મૉડલને ઇન્દ્રાણીને ગમતાં કપડાં અને સોનાનાં ઘરેણાં પણ પહેરાવવામાં આવે છે. એને પોતાના પુત્રનાં લગ્નના રિસેપ્શનમાં જે સાડી પહેરી હતી એ પહેરાવવામાં આવી હતી. ૬૫ વર્ષના તપસે કહ્યું કે એને જે હીંચકા પર બેસવાનું ગમતું હતું એ જ હીંચકા પર પૂતળાને બેસાડે છે. મ્યુઝિયમમાં આ પ્રકારના મૉડલ જોઈને ઇન્દ્રાણીને પોતાનું આવું પૂતળું બનાવવાનો વિચાર આવ્યો હતો. મેં તો માત્ર એની ઇચ્છાઓ પૂરી કરી છે. ઇન્દ્રાણીનું કોરોના દરમ્યાન ૨૦૨૧ના મેમાં મોત નીપજ્યું હતું.
સ્થાનિક કલાકાર સુબિમલ દાસે અંદાજે ૩૦ કિલોના આ સિલિકૉનના પૂતળાને બનાવવા પાછળ છ મહિનાનો સમય લીધો હતો. ૨૦૨૦માં અન્ય એક ભારતીય શ્રીનિવાસ ગુપ્તાએ પણ કાર-અકસ્માતમાં મૃત્યુ પામનાર તેની પત્ની માધવીનું સિલિકૉન મૉડલ બનાવ્યું હતું. એ એટલું બધું વાસ્તવિક લાગતું હતું કે મિત્રોને એવું લાગ્યું કે તે જાણે પાછી ફરી હોય. ૨૦૧૬માં ચીનમાં રહેતા એક વિધુરે ૨૦૦૦ પાઉન્ડ એટલે અંદાજે બે લાખ રૂપિયા ખર્ચી પત્ની જેવી દેખાતી સિલિકૉન ડૉલ બનાવી હતી. જોકે તેણે પોતાની પત્ની યુવાન હતી એ સમય જેવી દેખાતી ડૉલ બનાવી હતી. ચીનના સેક્સ ડૉલ મૅન્યુફૅક્ચર દ્વારા એને બનાવવામાં આવી હતી.