પૅરિસની હોટેલમાં થયેલી ૩૮ કરોડ રૂપિયાની ચોરી માટે કિમ કર્ડાશિયનને ૧૧૦ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે

17 September, 2026 07:59 PM IST  |  peris | Gujarati Mid-day Correspondent

પૅરિસની કોર્ટે ૨૦૧૬ની લૂંટના કેસમાં કિમ કર્ડાશિયનને ૧ યુરોનું પ્રતીકાત્મક વળતર આપ્યું છે. કિમે આ રકમ પોતે માગી હતી, કારણ કે તે પૈસા નહીં પરંતુ ઘટનામાં જવાબદારી અને ન્યાયની માન્યતા ઇચ્છતી હતી.

કિમ કર્ડાશિયન

પૅરિસની એક કોર્ટે મંગળવારે કિમ કર્ડાશિયનને ૨૦૧૬માં થયેલી ચોરી બદલ ૧ યુરો એટલે કે ૧૧૦ રૂપિયાનું વળતર આપવાનો ચુકાદો આપ્યો છે. પૅરિસની એક હોટેલમાં કિમને કેટલાક હથિયારબંધ લૂંટારાઓએ લૂંટી લીધી હતી. એ લૂંટમાં તેની ૪ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૩૮ કરોડ રૂપિયાની સગાઈની વીંટી અને અન્ય જ્વેલરી ચોરાઈ હતી. હોટેલની જે રૂમમાં કિમ રોકાઈ હતી ત્યાં કેટલાક લોકો બંદૂક લઈને પોલીસના વેશમાં આવી ગયા હતા અને તેને બંધક બનાવી લીધી હતી. કિમે આ ઘટનાને તેની જિંદગીનો સૌથી ડરામણો અનુભવ ગણાવ્યો હતો. તેણે આ ઘટના પછી કોર્ટમાં લાંબી લડત આપી હતી અને આ કેસમાં ૨૦૨૫માં ૮ જણને દોષી ઠેરવવામાં આવ્યા હતા. કિમે તેની સાથે થયેલી આ ડરામણી ઘટનાના વળતર પેટે ૧ યુરોની ડિમાન્ડ કરી હતી. તેનું કહેવું હતું કે આ કેસ થકી તે પૈસા કમાવા નથી માગતી, પરંતુ આ ઘટના માટે દોષી લોકોને જવાબદાર ઠેરવવા માગે છે. કોર્ટે તેની વાત માન્ય રાખી હતી અને કિમને થયેલી માનસિક યાતના માટે ૧ યુરો એટલે કે ૧૧૦ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.

kim kardashian france world news international news offbeat news hatke news