ક્રોએશિયામાં આવેલા વિશ્વના સૌથી નાના શહેરમાં માત્ર બે ગલી છે અને ૩૦ લોકો રહે છે

17 November, 2022 11:38 AM IST  |  Zagreb | Gujarati Mid-day Correspondent

અહીં આવકના માત્ર બે સ્રોતો છે, પ્રવાસન અને ઍગ્રિકલ્ચર.

ટાઉન હમ

ઇસ્ટ્રિયા એડ્રિયાટિક સમુદ્રની અંદરનો સૌથી મોટો દ્વીપકલ્પ છે જે ક્રોએશિયા, સ્લોવેનિયા અને ઇટલી એમ ત્રણ દેશો વચ્ચે વહેંચાયેલો છે. હમ ક્રોએશિયાના ઇસ્ટ્રિયા પ્રદેશમાં સ્થિત એક મનોહર પહાડી વસાહત છે જે વિશ્વના સૌથી નાના શહેર તરીકે પ્રખ્યાત છે. મધ્ય ઇસ્ટ્રિયામાં સ્થિત ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબથી આશરે અઢી કલાકના અંતરે મધ્યયુગીન હિલટૉપ ટાઉન હમમાં ૨૦થી ૩૦ લોકો રહે છે.

હિલટૉપ ટાઉન હમની ઉત્પત્તિ રહસ્યમય છે. જોકે ઐતિહાસિક દસ્તાવેજોમાં વર્ષ ૧૧૦૨માં એનો પ્રથમ ઉલ્લેખ થયો હોવાનું જણાવાય છે. એ સમયે એને ચોલ્મ કહેવામાં આવતું હતું. ૧૫૫૨માં નગરના સંરક્ષણના ભાગરૂપે એક ઘંટડી અને ઘડિયાળ ટાવર બાંધવામાં આવ્યું હતું, તેમ જ એના રક્ષકો અને તેમના પરિવારોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ સદીઓથી આ નગર ક્યારેય વિકસિત થયું નથી તેમ જ આજે પણ એમાં મધ્યયુગીન ઘરોની માત્ર ત્રણ સુઘડ પંક્તિઓની બે શેરીઓ છે. 

વિશ્વના સૌથી નાના શહેર તરીકે ઓળખાતું આ શહેર ૧૦૦ મીટર લંબાઈ અને ૩૦ મીટર પહોળાઈમાં ફેલાયેલુ છે. અહીં આવકના માત્ર બે સ્રોતો છે, પ્રવાસન અને ઍગ્રિકલ્ચર. મધ્યયુગના સમયે આ ગામને ડાકુઓના હુમલાથી બચાવવા માટે બાંધવામાં આવેલી નાના પથ્થરની વાડથી સુરક્ષિત કરવામાં આવ્યું હોવાનું મનાય છે. 

offbeat news international news croatia