19 December, 2022 12:10 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બૅન્ગલોર-ઉડિપી રેલવેલાઇનનો ડ્રોનની નજરે મંત્રમુગ્ધ કરતો વ્યુ
નૉર્વેના રાજદૂત એરક સોલ્હેમે ટ્વિટર પર ઉડિપી રેલવેલાઇનના રૂટનો એક મનોરમ્ય વિડિયો શૅર કર્યો છે, જે ડ્રોનની મદદથી લેવાયો છે. બૅન્ગલોર-ઉડિપી રેલવેલાઇન સકલેશપુરથી કુક્કે સુબ્રમણ્ય, કર્ણાટક સુધી જાય છે. આ આખા માર્ગ પર હરિયાળી છવાયેલી છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ-યુઝર અને ફોટોગ્રાફર રાજ મોહને બનાવ્યો છે. લીલાંછમ જંગલો અને પર્વતોમાંથી માર્ગ કાઢીને ટ્રૅક પરથી સરકી રહેલી રેલવેનો વિડિયો અત્યંત મનોરમ્ય અને કાલ્પનિક જણાય છે. સુંદર રેલવેલાઇનના એરિયલ વ્યુએ નેટિઝન્સને સ્તબ્ધ કરી દીધા છે. અત્યાર સુધી આ વિડિયો-ક્લિપને ૮૬,૦૦૦ કરતાં વધુ વ્યુઝ અને ૪૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળ્યાં છે.