23 May, 2026 12:46 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના એક સર્જ્યનની લાપરવાહીને કારણે એક દરદીનો જીવ ગયો હતો. તાજેતરમાં નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશન (NCDRC) દ્વારા એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. ૨૦૧૨ની સાલમાં એક મહિલા કિડનીની તકલીફની ફરિયાદ લઈને ડૉક્ટર પાસે ગયેલી. લાંબી સારવાર અને છેલ્લા નિદાન મુજબ એવી ખબર પડી કે તેની જમણી કિડની ખરાબ થઈ ગઈ હતી. એની અંદર ઇન્ફેક્શન થઈ જવાને કારણે એ કાઢી નાખવી પડે એમ છે. દરદીના પરિવારજનો એ ઑપરેશન માટે તૈયાર થઈ ગયા. જોકે સર્જરી દરમ્યાન ડૉક્ટરે ગરબડ કરી નાખી. તેમણે બગડેલી જમણી કિડનીને બદલે સારી અને વર્કિંગ કન્ડિશનમાં હતી એ કિડની કાઢી નાખી હતી. એને કારણે મહિલાનું મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે દરદીના પરિવારજનોએ ગ્રાહક સુરક્ષા મંચમાં ન્યાય માટે અરજી કરી હતી. NCDRCના જસ્ટિસ એ. પી. સાહી અને ભારતકુમાર પંડ્યાની બેન્ચે આ ઘટનાને મેડિકલ વિશ્વની સૌથી ગંભીર બેજવાબદારી ગણાવી હતી. કોર્ટે ડૉક્ટરને આ ભૂલ બદલ દરદીના પરિવારને બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.